News of Tuesday, 8th September 2026
માલદામાં ગંગાનો વિકરાળ સ્વરૂપ: દોઢ સદી જૂનું શિવમંદિર ધસમસતા કાંઠા સાથે નદીમાં સમાયું, ગ્રામજનોમાં ભારે ભય અને ચિંતા ફેલાઈ
રતુઆના મુલીરામ ટોલામાં ઐતિહાસિક ધરોહર ગાયબઃ સતત કાંઠાધોવાણથી વસાહતો, માર્ગ અને પ્રાથમિક શાળા ઉપર પણ તોળાતું ગંભીર સંકટ હવે ઊભું

કોલકાતા, તા. ૮: પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ગંગાના વધતા જળસ્તર અને ભયંકર કાંઠાધોવાણ વચ્ચે લગભગ ૧૫૦ વર્ષ જૂનું શિવમંદિર નદીના પ્રચંડ પ્રવાહમાં સમાઈ ગયું છે. રતુઆ પ્રથમ પ્રખંડના મહાનંદાટોલા વિસ્તારના મુલીરામ ટોલામાં બનેલી આ ઘટનાનાં દૃશ્યો પ્રસારિત થતાં લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
મંદિર જે જમીન ઉપર ઊભું હતું તે ભાગ સતત ધોવાતો રહ્યો અને અંતે આખું માળખું ગંગામાં તણાઈ ગયું. લાંબા સમયથી પૂજા અને સ્થાનિક ધાર્મિક પરંપરાનું કેન્દ્ર રહેલું મંદિર આંખ સામે નષ્ટ થતાં ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ હતી.
નજીકના માણિકચકના ભૂતની વિસ્તારમાં પણ ગંગાનું પાણી સતત વધી રહ્યું છે. પુલને જોડતો પાળાવાળો માર્ગ પાણીમાં ગરકાવ થતાં ભૂતની ટાપુ, માણિકચક અને માલદાના મુખ્ય ભૂભાગ વચ્ચેનો માર્ગવ્યવહાર અસરગ્રસ્ત થયો છે. પશ્ચિમ રતનપુરમાં વર્ષ ૧૯૬૮માં સ્થાપિત એકમાત્ર પ્રાથમિક શાળા પણ કાંઠાધોવાણના જોખમ હેઠળ આવી છે.
જિલ્લા વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગ અસરગ્રસ્ત વિસ્તારો ઉપર નજર રાખી રહ્યાં છે. રેતી, લાકડાં, લોખંડના થાંભલા અને ઈંટોનો ઉપયોગ કરીને અંદાજે ૧૦૦ મીટરનો હંગામી માર્ગ બનાવવાની તૈયારી હાથ ધરાઈ છે. આપત્તિ વ્યવસ્થાપન દળોને પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યાં છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
