તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
અમેરિકામાં ફુગાવાનો ભડકો થતાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની ભીતિ: વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો
અમેરિકા-ઈરાન તણાવ અને ક્રૂડ ઓઈલ ૧૦૦ ડૉલરને પાર જતાં મોંઘવારી વધી: આગામી ફેડરલ બેઠક પૂર્વે રોકાણકારોમાં ભારે ફાળ, સોનું રૂ. ૨,૯૪૬ અને ચાંદી રૂ. ૬,૫૩૬ ઘટી

મુંબઈ : અમેરિકામાં ઓગસ્ટ મહિનામાં ફુગાવો ૦.૧ ટકાથી વધીને ૦.૪ ટકા નોંધાતાં વૈશ્વિક નાણાકીય બજારોમાં મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકી શ્રમ મંત્રાલયના આ આંકડા સામે આવ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૫-૧૬ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બની છે. ફેડ વૉચ ટૂલ અનુસાર વ્યાજદર વધવાની શક્યતા ૬૭ ટકાથી સીધી વધીને ૮૭ ટકા પર પહોંચી ગઈ છે, જેના કારણે સોના અને ચાંદીના વૈશ્વિક તેમજ સ્થાનિક બજારોમાં તીવ્ર ઘસાટો જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ભૂરાજકીય તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ૧૦૦ ડૉલરની સપાટી વટાવી ગયા છે. ક્રૂડના વધતા ભાવથી મોંઘવારીનો ભય વધુ ઘેરો બન્યો છે. વિશ્લેષકોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં કોમેક્સ પર સોના માટે ૪,૨૮૦ ડૉલર પ્રતિ ઓંસ મહત્ત્વનો સપોર્ટ છે; જો તે તૂટશે તો ભાવ ઘટીને ૪,૦૦૦ ડૉલર સુધી પહોંચી શકે છે. જોકે, શુક્રવારે નીચા મથાળે નફારૂપી ખરીદી આવતાં વૈશ્વિક સોનું ૪,૩૬૩ ડૉલર અને ચાંદી ૬૪.૫૪ ડૉલર પ્રતિ ઓંસ પર બાઉન્સબેક થયા હતા.
વૈશ્વિક બજારના કડાકાની સીધી અસર સ્થાનિક ઝવેરી બજાર પર પણ જોવા મળી હતી. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનું સપ્તાહ દરમિયાન રૂ. ૨,૯૪૬ના કડાકા સાથે રૂ. ૧,૫૧,૯૩૮ પ્રતિ ૧૦ ગ્રામની નીચી સપાટીએ બંધ રહ્યું હતું. તેવી જ રીતે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૬,૫૩૬નો મોટો ઘટાડો નોંધાતાં ભાવ રૂ. ૨,૨૮,૯૨૦ની નીચલી સપાટીએ આવી પહોંચ્યા હતા.
સ્થાનિક બજારના નિષ્ણાતોના મતે આગામી સપ્તાહે ભારતીય ઓનલાઈન વાયદા બજારમાં સોનું રૂ. ૧,૪૫,૦૦૦થી રૂ. ૧,૫૬,૦૦૦ અને ચાંદી રૂ. ૨,૨૪,૦૦૦થી રૂ. ૨,૪૦,૦૦૦ની રેન્જમાં રમી શકે છે. હાલમાં સોના-ચાંદીમાં રોકાણકારો અને ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી જ મર્યાદિત રહી છે. સમગ્ર બજારની નજર હવે ૧૫-૧૬ સપ્ટેમ્બરે યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકના નિર્ણયો પર મંડાયેલી છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
