તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
પાકિસ્તાનમાં ધાર્મિક હિંસાનો ખૌફ: ઈશનિંદાના આરોપ બાદ ઘર-દુકાનો સળગાવાતા 35થી વધુ ખ્રિસ્તી પરિવારોએ ગામ છોડ્યું
શેખૂપુરામાં લઘુમતી સમુદાયના લોકો પર અત્યાચાર, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો

ઘરિયાલ કલાં : પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા અને તેમના માનવાધિકારો સામે ફરી એકવાર મોટો ખતરો ઊભો થયો છે, કારણ કે લાહોરથી આશરે 50 કિલોમીટર દૂર આવેલા શેખૂપુરા જિલ્લાના ઘરિયાલ કલાં ગામમાં ઈશનિંદાના આરોપસર એક ખ્રિસ્તી યુવક વિરુદ્ધ ફેલાયેલા રોષ બાદ ભારે હિંસા ફાટી નીકળી હતી. સ્થાનિક મસ્જિદોમાંથી ઉશ્કેરણીજનક જાહેરાતો કર્યા બાદ સેંકડો લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને આરોપીના ઘર તથા તેની ફાર્મસીને આગના હવાલે કરી દીધી હતી, જેનાથી ભયભીત બનેલા 35થી વધુ ખ્રિસ્તી પરિવારો પોતાનાં ઘરબાર છોડીને પલાયન કરવા મજબૂર બન્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 40 વર્ષીય કામરાન ગુલ મસીહ નામના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ઈશનિંદાને લગતો એક વીડિયો શેર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. ટોળા દ્વારા તેની પર હુમલો થવાની આશંકાને ધ્યાનમાં રાખીને પોલીસે તેને સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો, પરંતુ ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ કાર્યવાહીથી અસંતુષ્ટ થઈને તેના ઘર અને માલિકીની ફાર્મસીમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. પોલીસે આ મા मामले में FIR નોંધી પાંચ લોકોની ઓળખ કરી છે અને અન્ય અજાણ્યા શખ્સો સામે પણ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાદ ગામમાં ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં અગાઉ પણ ઈશનિંદાના કાયદાના દુરુપયોગ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ ટોળા દ્વારા હિંસા આચરવામાં આવવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે, જે લઘુમતી સમુદાયના અસ્તિત્વ સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે.
હાલ વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલુ છે અને સુરક્ષાના કારણોસર પલાયન કરી ગયેલા પરિવારોને સુરક્ષિત આશ્રય તથા ન્યાય અપાવવા માટે માનવાધિકાર સંગઠનો દ્વારા પણ દબાણ વધારવામાં આવી રહ્યું છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
