તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Sunday, 19th April 2026
ઇસ્લામાબાદમાં ‘મહા-મંત્રણા’ની દહેશત: પાકિસ્તાનની લક્ઝરી હોટલો ખાલી કરાવાઈ, આખું શહેર છાવણીમાં ફેરવાયું
અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડને લઈને પાકિસ્તાનની રાજધાનીમાં કલમ ૧૪૪ જેવી સ્થિતિ : સેંકડો સ્નાઈપર્સ તૈનાત અને હજારો જવાનોના પહેરા વચ્ચે સામાન્ય જનતા માટે રસ્તાઓ બંધ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અત્યારે કોઈ હોલીવુડની જાસૂસી ફિલ્મની ક્લાઈમેક્સ સીન જેવું દ્રશ્ય રજૂ કરી રહ્યું છે. શહેરની નામાંકિત ફાઈવ સ્ટાર હોટલો, મેરિયટ અને સેરેનાના મહેમાનોને રવિવારે બપોરે ૩ વાગ્યા સુધીમાં અચાનક રૂમ ખાલી કરવાના આદેશ અપાતા ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સરકારે આ હોટલોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો છે, જે પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી અત્યંત ગુપ્ત અને ઉચ્ચ સ્તરીય શાંતિ મંત્રણા હોવાનું માનવામાં આવે છે. આ મંત્રણાની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ જમીની સ્તરે જે પ્રકારે તૈયારીઓ ચાલી રહી છે તે કોઈ મોટા રાજદ્વારી ધડાકા તરફ ઈશારો કરી રહી છે.
સુરક્ષાની વ્યવસ્થા એટલી કડક છે કે પક્ષી પણ પાંખ મારી શકે તેમ નથી. ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં ૧૦,૦૦૦ થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં ૪૦૦ ચુનંદા કમાન્ડો અને ૧૦૦ શાર્પશૂટર્સ (સ્નાઈપર્સ) નો સમાવેશ થાય છે જેઓ ઊંચી ઈમારતોની છત પરથી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે. રેડ ઝોનને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને શ્રીનગર હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર સામાન્ય નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નૂર ખાન એરબેઝની આસપાસની રહેણાંક સોસાયટીઓમાં અઘોષિત કર્ફ્યુ જેવી સ્થિતિ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ઇટાલીની રાજધાની રોમમાં પણ આવી જ હિલચાલ જોવા મળી રહી છે, જ્યાં ઓમાની દૂતાવાસ બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. નિષ્ણાતોના મતે, ઈરાનના સર્વોચ્ચ નેતાના અવસાનની અફવાઓ અને મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકા આ મંત્રણા દ્વારા કોઈ મોટો ઉકેલ લાવવા માંગે છે. પાકિસ્તાન આ મહત્વપૂર્ણ વાટાઘાટો માટે યજમાનની ભૂમિકા ભજવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ માટે તેણે પોતાના જ નાગરિકોની સ્વતંત્રતા અને શહેરની ગતિશીલતાને હોમી દીધી છે. આવનારા ૨૪ કલાક આંતરરાષ્ટ્રીય રાજકારણ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
