News of Tuesday, 3rd November 2026
મહારાષ્ટ્રમાં FDAનું મેગા ઓપરેશન:9 કરોડથી વધુનો અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત : 19 પેઢીઓના લાઈસન્સ રદ
મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમગ્ર રાજ્યમાં વિશેષ અને વ્યાપક ઝૂંબેશ: રાજ્યભરના 114 જેટલા ખાદ્ય પ્રતિષ્ઠાનો પર કડક કાર્યવાહી

મુંબઈ :દિવાળી સહિતકના તહેવારોના દિવસોમાં નાગરિકોને શુદ્ધ અને સક્ષમ આહાર મળી રહે તે માટે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમગ્ર રાજ્યમાં એક વિશેષ અને વ્યાપક ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. આ વિશેષ અભિયાન હેઠળ રાજ્યભરના 114 જેટલા ખાદ્ય પ્રતિષ્ઠાનો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં આશરે ₹9 કરોડ 1 લાખની કિંમતનો 3 લાખ 53 હજાર કિલોથી વધુનો મિલાવટી તેમજ ગુણવત્તા વગરનો ખાદ્યપદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગંભીર અનિયમિતતાઓ અને અસ્વચ્છતા જોવા મળતા 19 ખાદ્ય વેપારીઓના લાઈસન્સ અને રજીસ્ટ્રેશન તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
FDA દ્વારા ઓક્ટોબર 2026 દરમિયાન રાજ્યના તમામ 7 વિભાગોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં સૌથી મોટી કાર્યવાહી કોંકણ વિભાગના ભિવંડી ખાતે કરવામાં આવી હતી, જ્યાં એવેન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડમાંથી વિવિધ બ્રાન્ડનો 1 લાખ 44 હજાર 218 કિલો ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરાયો હતો. આ સિવાય, છત્રપતિ સંભાજીનગરમાં પતંજલિ ગાયના ઘીના 2,279.7 લિટરના સ્ટોકને ખોટા લેબલિંગ અને મિલાવટની શંકાના આધારે સીઝ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹20 લાખ 20 હજાર 190 જેટલી થાય છે.
રાજધાની મુંબઈમાં પણ FDAની ટીમોએ લાલબાગના ચૌહાણ બ્રધર્સ, સાંતારુઝના મુકેશ કોર્પોરેશન, ગોરેગાંવના વી એન્ડ જે ફૂડ્સ તેમજ કાંદિવલીના એ-1 ચેતના મસાલા જેવા જાણીતા સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જૂના ડબ્બાઓમાં તેલનું રી-પેકિંગ અને મસાલામાં કૃત્રિમ રંગોનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનું ખુલ્લું પડ્યું હતું. સાથોસાથ, નાસિક, સંભાજીનગર અને નાગપુર જેવા વિસ્તારોમાં 34 હોટેલો અને ઢાબાઓની તપાસ કરીને 29 એકમોને સુધારણા નોટિસ ફટકારવામાં આવી હતી.
અન્ય એક મહત્વની કાર્યવાહીમાં તાતા 1mgના મરીન કોલેજન પાવડરના ઓનલાઈન વિજ્ઞાપનો અને લેબલિંગમાં ગડબડ જણાતા FSSAI દ્વારા તાતા 1mg, ઉત્પાદક કંપની અને એમેઝોન-ફ્લિપકાર્ટને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે. મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેએ તમામ ખાદ્ય વેપારીઓને નિયમોનું ચુસ્તપૂર્વક પાલન કરવા કડક સૂચના આપી છે અને નાગરિકોને પણ ખુલ્લા કે લેબલ વગરના ખાદ્યપદાર્થો ન ખરીદવા અપીલ કરી છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
