તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
મહારાષ્ટ્રમાં એફડીએની ફિલ્મી એક્શન: ૬ કલાકના દિલધડક પીછા બાદ ૧.૧૩ કરોડનો પ્રતિબંધિત ગુટખા ઝડપ્યો, આરોપીઓ સામે 'મકોકા' હેઠળ કાર્યવાહીની તૈયારી
મધ્યપ્રદેશથી સમૃદ્ધિ એક્સપ્રેસવે થઈને પુણે જતી ટ્રકને અધિકારીઓએ ફિલ્મીઢબે ઝડપી પાડી: હરિયાણાના ડ્રાઈવર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી પોલીસ તપાસ તેજ

મુંબઈ : મહારાષ્ટ્રમાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ગુપ્ત માહિતીના આધારે એક અત્યંત રોમાંચક અને સાહસિક ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો છે. રાજ્યમાં પ્રતિબંધિત હોવા છતાં મધ્યપ્રદેશથી ગુટખા અને ફ્લેવર્ડ તમાકુ ભરીને આવી રહેલી એક ટ્રકને પકડવા માટે એફડીએના અધિકારીઓએ લગભગ છ કલાક સુધી ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કર્યો હતો. આખરે સ્થાનિક પોલીસની મદદથી ચાકણ-તળેગાંવ ચોક ખાતે ટ્રકને આંતરીને લાખો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશથી નીકળેલી આ ટ્રકે સમૃદ્ધિ એક્સપ્રેસવે થઈને ભિવંડી તરફ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ અચાનક રૂટ બદલીને સાંગમનેર થઈને પુણે તરફ જવા લાગી હતી. આ શંકાસ્પદ હિલચાલને ધ્યાનમાં રાખીને એફડીએની અલગ-અલગ ટીમોએ વ્યૂહાત્મક રીતે નાકાબંધી કરી હતી. રાજગુરુનગર ટોલ પ્લાઝા પર ફૂડ સેફ્ટી ઓફિસર લક્ષ્મીકાંત સાવલેએ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ડ્રાઈવરે બેફામપણે ટ્રક આગળ ભગાડી મૂક્યો હતો. અધિકારીઓએ હિંમત દાખવીને સતત છ કલાક સુધી ટ્રકનો પીછો કર્યો હતો અને આખરે ડ્રાઇવરના તમામ મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.
આરોપીઓની ધરપકડ અને સંગઠિત ગુનાખોરી (મકોકા) હેઠળ તપાસની માંગ
રાત્રે આશરે ૮ વાગ્યે ટ્રકની સઘન તપાસ કરવામાં આવતા તેમાં મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત વિવિધ બ્રાન્ડના પાન મસાલા અને ગુટખા મળી આવ્યા હતા. એફડીએ દ્વારા જપ્ત કરાયેલા આ જથ્થાની કુલ બજાર કિંમત રૂ. ૧,૧૩,૫४,૬૦0 આંકવામાં આવી છે. આ કેસમાં પોલીસે હરિયાણાના ટ્રક ડ્રાઈવર નફીસ મેહબૂબ ખાન, બુલઢાણાના સપ્લાયર નિલેશ રાઠી, જલગાંવના માલિક અરુણ પાટીલ અને ઇન્દોરના ટ્રાન્સપોર્ટર સંજય માતાની ધરપકડ કરી છે.
એફડીએના મતે આ માત્ર ખાદ્ય સુરક્ષાના કાયદાના ઉલ્લંઘનનો મામલો નથી, પરંતુ જાહેર સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો કરતું એક સંગઠિત રેકેટ છે. આથી, ગુટખાની સપ્લાય ચેઈન અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસને અનુરોધ કરવામાં આવ્યો છે. જો તપાસમાં સંગઠિત ગુનાખોરીના પુરાવા મળશે, તો આ તમામ આરોપીઓ સામે સખત 'મકોકા' (MCOCA) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
