<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

મહારાષ્ટ્રમાં તહેવારો ટાણે એફડીએનું આક્રમક એક્શન: મુંબઈની નાયર હોસ્પિટલની કેન્ટીન સહિત ૧૪ જાણીતી સંસ્થાઓના લાઇસન્સ સસ્પેન્ડ!

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા સામે તંત્રનો સડાકો: ૨,૮૧૩ કિલો અસ્વચ્છ દૂધ-માવો જપ્ત, તુકારામ મુંડેની આગેવાનીમાં રાજ્યભરમાં હોટેલ્સ અને ડેરીઓ પર દરોડા

મુંબઈ : મહારાષ્ટ્રમાં આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા મુદ્દે મોટો સડાકો બોલાવવામાં આવ્યો છે. મુંબઈ સેન્ટ્રલ સ્થિત પ્રસિદ્ધ નાયર હોસ્પિટલની કેન્ટીનમાં ફૂડ સેફ્ટી અને હાઈજીનના ધજાગરા ઉડતા જોવા મળતાં તંત્ર દ્વારા તેનું લાઈસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયું છે. આ સિવાય મુંબઈની ૭ મળીને સમગ્ર રાજ્યમાં કુલ ૧૪ મોટો ખાદ્ય પ્રતિષ્ઠાનોના લાઈસન્સ રદ/સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

એફડીએની ટીમે ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ૨૭ હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ઢાબાઓ પર અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ૧૪ એકમોમાં ગંભીર ખામીઓ મળતાં તેમના લાઈસન્સ સ્થગિત કરાયા હતા, જ્યારે અન્ય ૧૩ પ્રતિષ્ઠાનોને સુધારણા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત અસ્વચ્છ સ્થિતિમાં પરિવહન કરવામાં આવી રહેલો અને શંકાસ્પદ ગુણવત્તા ધરાવતો રૂ. ૭.૩૮ લાખની કિંમતનો ૨,૮૧૩ કિલો દૂધ અને માવાનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે.

 

મુંબઈના આ જાણીતા સટોના લાઈસન્સ સસ્પેન્ડ થયા

 

એફડીએ દ્વારા મુંબઈના જે ૭ પ્રમુખ સ્થળો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં - ઓલિમ્પિયા કોફી હાઉસ, બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ, ઘાટકોપરની વિશ્વાસ સ્વીટ્સ એન્ડ સ્નેક્સ તેમજ A-1 જનરલ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ, નાયર હોસ્પિટલ કેન્ટીન (મુંબઈ સેન્ટ્રલ), મિલાન પંજાબ (વર્લી) અને માલાડ ઈસ્ટમાં આવેલી સદગુરુ સ્વીટ્સનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ ખાદ્ય સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું.

 

મીરા રોડ અને પાલઘરમાંથી વિપુલ પ્રમાણમાં ભેળસેળયુક્ત માવો જપ્ત

 

બીજી તરફ, મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં બે શંકાસ્પદ વાહનોને આંતરીને તપાસ કરાતાં અસ્વચ્છ હાલતમાં રખાવામાં આવેલો ૨,૩૦૩ કિલો ખુલ્લો ખોયા અને સ્વીટ માવો જપ્ત કરાયો હતો. તેમજ પાલઘરના ચારોટી ટોલ પ્લાઝા પરથી પણ ૧૭૪ કિલો અસ્વચ્છ માવો પકડાયો હતો. પુણે, કોલ્હાપુર, નાસિક અને સંભાજીનગરમાં પણ ઝુંબેશ ચાલુ છે. એફડીએ કમિશનર તુકારામ મુંડેએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કે ભેળસેળયુક્ત પદાર્થો વેચનારા વેપારીઓ સામે કોઈપણ દયા વગર કડક કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.

(9:07 PM IST)