તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
'વિમલ' જાહેરાત વિવાદમાં FDA ની લાલ આંખ: કાયદો તોડનાર મારા માટે સેલિબ્રિટી નથી, કમિશનર તુકારામ મુંઢેની બોલિવૂડ સિતારાઓને કડક ચેતવણી
શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફ સામે કાનૂની શંખનાદ; નોટિસનો જવાબ ન આપનાર અભિનેતા સામે કોર્ટ ટ્રાયલની પ્રક્રિયા શરૂ

મુંબઈ, તા.૧૮: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢેએ 'વિમલ ઈલાયચી' ની જાહેરાતને લઈને બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફ સામે સખત વલણ અપનાવ્યું છે. સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા આ મામલામાં કમિશનરે એક મહત્વનું નિવેદન આપતાં સ્પષ્ટ કર્યું છે કે, કાયદાનું ઉલ્લંઘન કરનારા આ અભિનેતાઓ તેમના માટે કોઈ ખાસ 'સેલિબ્રિટી' નથી પરંતુ માત્ર જાહેરાતકર્તાઓ છે. તેથી કાયદાના શાસન મુજબ તેમની સામે કડક કાર્યવાહી આગળ વધારવામાં આવશે.
ઘટનાની વિગતો અનુસાર, FDA ના ગ્રેટર મુંબઈ ડિવિઝન દ્વારા ત્રણેય અભિનેતાઓને 'શો-કોઝ નોટિસ' (કારણ દર્શાવો નોટિસ) જારી કરવામાં આવી હતી. આરોપ છે કે 'વિમલ ઈલાયચી' ની આડમાં રાજ્યમાં પ્રતિબંધિત એવા 'વિમલ પાન મસાલા' નો સરગેટ પ્રમોશન (પરોક્ષ પ્રચાર) કરવામાં આવી રહ્યો હતો. નોટિસનો જવાબ આપવા માટે ૧૫ દિવસની મુદત આપવામાં આવી હતી, જેમાંથી બે અભિનેતાઓએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે, જ્યારે એક અભિનેતા તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આથી જેણે જવાબ નથી આપ્યો તેની સામે FDA દ્વારા કાયદેસરની ટ્રાયલ અને કોર્ટ કાર્યવાહી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જે બે અભિનેતાઓએ જવાબ આપ્યો છે તેમણે એવો દાવો કર્યો હતો કે ઉત્પાદન કે પ્રોડક્ટના પ્રચારની તમામ કાયદાકીય જવાબદારી કંપનીની હોય છે. જોકે, FDA કમિશનરે આ દલીલને ફગાવી દેતાં 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન, ૨૦૧૮' નો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે ખાદ્ય પદાર્થોની જાહેરાત કરતી વખતે બ્રાન્ડ એમ્બેસેડર કે જાહેરાત કરનાર વ્યક્તિની પણ સ્પષ્ટ કાયદાકીય જવાબદારી નક્કી કરવામાં આવેલી છે. આ માત્ર કોઈ નૈતિક ફરજ નથી પરંતુ કાયદાકીય જોગવાઈ છે, જેથી ખોટા અને ભ્રામક પ્રચાર માટે જાહેરાતકર્તાઓ છટકી શકશે નહીં.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
