તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
દિવાળી પહેલા FDA એ મોટી કાર્યવાહીઃ ઝેપ્ટો અને બ્લિંકિટ સહિત ૧૦૫ ફૂડ આઉટલેટસના લાઇસન્સ સસ્પેન્ડ
ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને કમિશનર તુકારામ મુંઢેની આજીવન કેદની ખુલ્લી ચીમકી રૂ.૧.૩૫ કરોડનો ભેળસેળયુક્ત ખોરાક જપ્ત, બોરીવલીની વિખ્યાત બિરયાની શોપ સહિત સાત આઉટલેટસ પર કાયમી તાળાં લાગ્યા

મુંબઈ, તા.૭: દિવાળીના તહેવારની ધામધૂમ વચ્ચે તમારી થાળીમાં પીરસાતી મિઠાઈ કે ૧૦ મિનિટમાં ઘરઆંગણે પહોંચતી વાનગી કેટલી સુરક્ષિત છે? મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના તાજેતરના દરોડાએ આ સવાલનો મોટો અને ચોંકાવનારો જવાબ આપ્યો છે. ૪ અને ૫ નવેમ્બરના રોજ યોજાયેલા આ અભિયાનમાં FDA એ ફાસ્ટ-કોમર્સના મહારાથીઓ ઝેપ્ટો અને બ્લિંકિટ સહિત રાજ્યભરમાં કુલ ૧૦૫ ફૂડ ઓપરેટરોના લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ફક્ત મુંબઈમાં જ ૨૮ જેટલી જાણીતી સ્થાપનાઓ પર આ કાર્યવાહીની વીજળી પડી છે. ઝડપી ડિલિવરીના ચક્કરમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં સામે આ પગલું ચર્ચાનો વિષય બન્યું છે.
FDA ના નિરીક્ષણ દરમિયાન જે વિગતો બહાર આવી તે સામાન્ય લોકો માટે આંખ ઉઘાડનારી છે. બિગ બ્રાન્ડ્સ નો ટેગ ધરાવતી ફેવરિટ આઉટલેટ્સ જેમ કે બિરયાની બાય કિલો, ટોસિન પિઝા, વર્લીનું ઝેપ્ટો આઉટલેટ અને જમ્બો બર્ગર પણ ખરાબ હાઇજીન અને નિયમોના ભંગ બદલ ગાજ હેઠળ આવ્યા છે. ગંભીર ઉલ્લંઘન બદલ બોરીવલીનું રાજધાની બિરયાની સેન્ટર સહિત રાજ્યની સાત સ્થાપનાઓને સંપૂર્ણપણે બંધ કરી દેવાના કડક આદેશ અપાયા છે. નાગપુરમાં ડી-માર્ટના આઉટલેટમાંથી લાઈસન્સની શરતોનો ભંગ કરવા બદલ રિફાઈન્ડ સોયાબીન તેલનો જથ્થો જપ્ત કરી લેવાતાં મોટા રિટેલર્સ પણ ફફડી ઉઠ્યા છે.
દિવાળીની ખરીદીના આ માહોલમાં અધિકારીઓએ ૬૯ થી વધુ જગ્યાએથી રૂ.૧.૩૫ કરોડથી વધુનો અસુરક્ષિત અને ભેળસેળયુક્ત ૩૯.૫ ટન ખાદ્ય સામગ્રીનો જથ્થો સીઝ કરી દીધો છે. આ ઉપરાંત ગુટખા અને પાન મસાલાના ગેરકાયદે વેચાણ સામે ૩ એફઆઈઆર નોંધવામાં આવી છે. મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેએ કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે, ખોરાકમાં ભેળસેળ કરીને લોકોના જીવ સાથે રમનારાઓને બક્ષવામાં નહીં આવે. કાયદામાં અસુરક્ષિત ખોરાકના કારણે મળત્યુ થાય તો આજીવન કેદ અને રૂ.૧૦ લાખ સુધીના દંડની જોગવાઈ છે. FDA ના આ ધડાકાથી તહેવારની મોસમમાં ઓનલાઈન ઓર્ડર કરતા ગ્રાહકોમાં મોટો જાગળતિનો સંદેશ પહોંચ્યો છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
