News of Wednesday, 29th April 2026
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એફબીઆઇના પૂર્વ ડિરેક્ટર જેમ્સ કોમી સામે આરોપનામું દાખલ: ૧૦ વર્ષની જેલની જોગવાઈ

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યાય વિભાગે એફબીઆઇના પૂર્વ ડિરેક્ટર જેમ્સ કોમી સામે બે ગંભીર ગુનાઓ હેઠળ આરોપનામું દાખલ કર્યું છે. આ આરોપોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપવી અને ઇન્ટરસ્ટેટ કમ્યુનિકેશન દ્વારા ધમકીભર્યો સંદેશો મોકલવાનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ બંને આરોપો એક સોશિયલ મીડિયા પોસ્ટ સાથે જોડાયેલા છે. આ પોસ્ટમાં દરિયાકિનારે છીપલાંઓને '૮૬ ૪૭' આકારમાં ગોઠવેલા દર્શાવવામાં આવ્યા હતા. આ આંકડાઓનો અર્થ દેશના ૪૭મા રાષ્ટ્રપતિને ખતમ કરવાના છુપા સંદેશ તરીકે કાઢવામાં આવ્યો છે. જો આ બંને ગંભીર આરોપો સાબિત થાય તો દરેક ગુના માટે વધુમાં વધુ ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
પોતાની સામે દાખલ થયેલા આ ગંભીર આરોપો અંગે પ્રતિક્રિયા આપતા જેમ્સ કોમીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે. તેમણે જણાવ્યું કે આ સમગ્ર વિવાદ માત્ર એક વર્ષ જૂની નોર્થ કેરોલિના બીચ પર પડેલા છીપલાંની સામાન્ય તસવીરને લઈને ઊભો કરવામાં આવ્યો છે.
તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ જરાય ડરતા નથી અને તેમને દેશના સ્વતંત્ર સંઘીય ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. વધુમાં, ન્યાય વિભાગની આકરી ટીકા કરતા કોમીએ ઉમેર્યું કે એક લોકતાંત્રિક દેશ તરીકે આપણી આ ઓળખ નથી અને ન્યાય વિભાગે આ રીતે દ્વેષપૂર્ણ કામ ન કરવું જોઈએ.
તેમણે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે દેશ ફરીથી તેના મૂળ મૂલ્યો તરફ આગળ વધી રહ્યો છે, તેથી લોકોએ ન્યાયમાં પોતાનો વિશ્વાસ જાળવી રાખવો જોઈએ.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
