તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
FBI ચીફ કાશ પટેલની મુશ્કેલીમાં વધારો: દારૂની આદત અને ‘અનિયમિત’ વર્તનને કારણે નોકરી પર તોળાતું જોખમ!
વોશિંગ્ટનના ખાનગી ક્લબમાં નશાની હાલતમાં ઝડપાયાના અહેવાલ: આંતરિક સિસ્ટમમાં લોગ-ઇન ન થતાં ગભરાયેલા પટેલે સહાયકોને ફોન કરી કહ્યું - ‘મને કાઢી મૂકવામાં આવ્યો છે!’

વોશિંગ્ટન: અમેરિકાની સૌથી શક્તિશાળી તપાસ એજન્સી FBIના વડા કાશ પટેલ હાલમાં વિવાદોના વંટોળમાં ફસાયા છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, કાશ પટેલના દારૂ પીવાના શોખ અને કામ પ્રત્યેની તેમની ગંભીરતા પર યુએસ વહીવટીતંત્રમાં મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે. અનેક ઉચ્ચ અધિકારીઓએ દાવો કર્યો છે કે પટેલનું દારૂનું સેવન ‘રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનો વિષય’ બની રહ્યું છે.
નશામાં હોવાથી જગાડવામાં પણ પડી મુશ્કેલી
'ધ એટલાન્ટિક'ના રિપોર્ટ અનુસાર, પટેલની સુરક્ષા ટીમે ગયા વર્ષે અનેકવાર તેમને જગાડવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી કારણ કે તેઓ અતિશય નશાની હાલતમાં હતા. વોશિંગ્ટનની પ્રતિષ્ઠિત ‘નેડ્સ ક્લબ’માં તેઓ અવારનવાર વ્હાઇટ હાઉસના અધિકારીઓની હાજરીમાં લથડિયા ખાતી હાલતમાં જોવા મળ્યા હોવાના આક્ષેપો થયા છે. એટલું જ નહીં, તેઓ ઘણીવાર કામ પરથી ગુમ થઈ જાય છે અને મહત્વના નિર્ણયો લેવાના સમયે તેમનો સંપર્ક થઈ શકતો નથી, જે તપાસ પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે છે.
ટેકનિકલ ખામીને ‘બરતરફી’ સમજી બેઠા!
તાજેતરમાં જ એક હાસ્યાસ્પદ કહી શકાય તેવી ઘટના બની હતી. કાશ પટેલ જ્યારે FBIની આંતરિક સિસ્ટમમાં લોગ-ઇન ન કરી શક્યા, ત્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રપતિએ તેમને પદ પરથી હટાવી દીધા છે. ગભરાયેલા પટેલે તાબડતોબ પોતાના સાથીઓ અને કોંગ્રેસના સભ્યોને ફોન કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, પાછળથી જાણવા મળ્યું કે તે માત્ર એક ટેકનિકલ ખામી હતી. આ ઘટનાએ બ્યુરોમાં તેમની ગંભીરતા પર સવાલો ઉભા કર્યા છે. જોકે, વ્હાઇટ હાઉસે તેમનો બચાવ કરતા કહ્યું છે કે તેમના નેતૃત્વમાં ગુનાખોરીનો દર ઘટ્યો છે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
