<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

પિતાની સફળતા અને દીકરા-દીકરીઓનો અદભુત પ્રેમ: રાજસ્થાનના પૂર્વ મંત્રીને બર્થડે પર બાળકોએ આપી ₹૯૦ લાખની સુપરફાસ્ટ BMW કાર, ભાવુક પળે સોશિયલ મીડિયા ધ્રુજાવ્યું

માત્ર ૪.૪ સેકન્ડમાં ૧૦૦ની સ્પીડ પકડતી ૮-ગિયરવાળી લક્ઝરી કાર લઈ હુડલા પહોંચ્યા ગણેશ મંદિર; કહ્યું- 'ગાડી તો સુંદર છે જ, પણ સંતાનોનો આદર એ મારી સાચી મૂડી'

જયપુર : માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્ય અને સપના પૂરા કરવા માટે આખી જિંદગી વિતાવી દેતા હોય છે, પરંતુ જ્યારે આ સંતાનો કાબિલ બનીને પિતાને કોઈ એવી ભેટ આપે જેની તેમણે કલ્પના પણ ન કરી હોય, ત્યારે તે પળ અત્યંત ભાવુક બની જાય છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો રાજસ્થાનના રાજકારણ અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજસ્થાનના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ હુડલાને તેમના જન્મદિવસે સંતાનો તરફથી એક અદભુત અને મોંઘીદાટ સરપ્રાઈઝ ગિફ્ટ મળી છે, જેનો વીડિયો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

દીકરી અને દીકરાઓએ સાથે મળીને આપ્યું સરપ્રાઈઝ

પૂર્વ મંત્રી ઓમપ્રકાશ હુડલાના સંતાનો- દીકરી પ્રિયંકા સિંહ, અને દીકરાઓ રાહુલ પ્રકાશ તથા સચિને સાથે મળીને પિતાના જન્મદિવસને યાદગાર બનાવવાનું આયોજન કર્યું હતું. તેમણે પિતાને એક ચમકતી લક્ઝરી BMW M340i કાર ગિફ્ટ કરી છે.

આ અણધારી અને ભવ્ય ભેટ જોઈને ધારાસભ્ય હુડલા પોતાના આંસુ રોકી શક્યા નહોતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ખાસ ક્ષણની તસવીરો અને વીડિયો શેર કરતા એક અત્યંત ભાવુક સંદેશ લખ્યો કે, "ગાડી તો ખૂબ જ સુંદર અને લાજવાબ છે, પરંતુ મારા બાળકોનો આ પ્રેમ, આદર અને તેમની લાઈફમાં મળેલી સફળતા જ મારા જીવનની સૌથી મોટી કમાણી અને મૂડી છે."

નવી કોરાકોર લક્ઝરી કાર સાથે સીધા પહોંચ્યા ગણપતિના શરણે

આ ભવ્ય ભેટનો સ્વીકાર કર્યા બાદ પૂર્વ મંત્રીએ પોતાની નવી સવારીની શરૂઆત કોઈ ધાર્મિક યાત્રાથી કરવાનું નક્કી કર્યું હતું. તેઓ પરિવાર સાથે આ બ્રાન્ડ ન્યૂ BMW કાર લઈને જયપુરના અત્યંત પ્રખ્યાત અને પવિત્ર મોતી ડૂંગરી ગણેશ મંદિર ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન, મંત્રોચ્ચાર અને પંડિતોની ઉપસ્થિતિમાં વાહનની પૂજા કરાવી ભગવાન ગજાનનના આશીર્વાદ લીધા હતા.

₹૯૦ લાખની કિંમત અને રોકેટ જેવી સ્પીડ: જુઓ આ કારની ખાસિયતો

ઓટોમોબાઈલ નિષ્ણાતોના અહેવાલ મુજબ, આ કોઈ સામાન્ય લક્ઝરી કાર નથી પણ એક પાવરફુલ પ્રીમિયમ સ્પોર્ટ્સ કાર છે:

· કિંમત: BMW M340i xDrive ની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹૭૭.૧૦ લાખ છે, પરંતુ ટેક્સ, આરટીઓ (RTO) રજીસ્ટ્રેશન અને ઈન્સ્યોરન્સ ઉમેરાતા અલગ-અલગ રાજ્યોમાં તેની ઓન-રોડ કિંમત ₹૯૦ લાખથી ₹૯૧.૩૦ લાખ સુધી પહોંચી જાય છે.

· સુપર એન્જિન: આ કારમાં ૩.૦ લીટરનું, ૬-સિલેન્ડર ધરાવતું ટ્વિન-પાવર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે ૩૭૪ હોર્સપાવર અને ૫૦૦ Nm નો ટોર્ક જનરેટ કરે છે.

· રોકેટ જેવી સ્પીડ: ૮-સ્પીડ ગિયરબોક્સ ધરાવતી આ કાર એટલી પાવરફુલ છે કે માત્ર ૪.૪ સેકન્ડમાં ૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ મોડેલ ભારતમાં જ બનેલી (એસેમ્બલ થયેલી) સૌથી ઝડપી પેટ્રોલ કાર પૈકીની એક માનવામાં આવે છે.

 

(8:22 PM IST)