તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
પિતાનું ક્રૂર કૃત્ય ૯ વર્ષની દીકરીએ માર્કશીટમાં ફેરફાર કર્યો તો કટરથી ગળું કાપી નાખ્યું
દીકરીએ પોતાની માર્કશીટમાં ફેરફાર કરીને પોતાને પ્રથમ ક્રમે બતાવી હતી આ જ વાત પર ગુસ્સે ભરાયેલા પિતાએ આ ઘટનાને અંજામ આપ્યો

પુણે તા.૭: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના દૌંડ તાલુકાના દેઉલગાંવ રાજે ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાની જ ૯ વર્ષની દીકરીની હત્યા કરી દીધી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. આરોપીની ઓળખ શાંતારામ ચવ્હાણ તરીકે થઈ છે, જેણે કથિત રીતે ગુસ્સામાં આવીને પોતાની દીકરીની હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ લાકડા કાપવાના કટરથી બાળકીના ગળા પર વાર કર્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે તેણે મૃતદેહને કપડામાં લપેટીને આગ લગાડી દીધી હતી.
દૌંડ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી બાળકીનો આંશિક રીતે બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહનો કબજો લીધો અને આગળની તપાસ માટે પુણેની સસૂન જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે, જ્યાં DNA ટેસ્ટ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટના પાછળનું કારણ એક નજીવો વિવાદ હતો, જે શાળાના રિઝલ્ટને લઈને શરૂ થયો હતો. થોડા દિવસો પહેલા અનામિકા અને અન્ય એક બાળક સંસ્કારનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં સંસ્કારને પ્રથમ સ્થાન મળ્યું હતું, જ્યારે અનામિકા બીજા સ્થાને રહી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, રિઝલ્ટ પછી સંસ્કારે અનામિકાને ચીડાવી હતી, જેનાથી તે દુઃખી થઈ હતી. ત્યારબાદ અનામિકાએ કથિત રીતે પોતાની માર્કશીટમાં ફેરફાર કરીને પોતાને પ્રથમ સ્થાને અને સંસ્કારને બીજા સ્થાને બતાવી દીધી હતી. આ વાતને લઈને આરોપી પિતા શાંતારામ ચવ્હાણ ગુસ્સે થઈ ગયો અને તેણે આ જઘન્ય હત્યાકાંડને અંજામ આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે, આરોપીએ આવેશમાં આવીને બાળકીની હત્યા કરી અને પછી પુરાવાનો નાશ પ્રયાસ કર્યો હતો.
આ કેસમાં પોલીસે આરોપીની પત્ની સામે પણ ગુનો નોંધ્યો છે. તેના પર આરોપ છે કે, તેણે ઘટનાની જાણ હોવા છતાં પોલીસને તેની માહિતી આપી નહોતી. હાલ પોલીસે બંનેની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ગોપાલ પવારે જણાવ્યું હતું કે, આરોપીએ પોતાની જ દીકરીની હત્યા ગળા પર કટરથી વાર કરીને કરી હતી અને બાદમાં મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, પોલીસને સ્થળ પરથી આંશિક રીતે સળગેલો મૃતદેહ મળ્યો છે અને કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે, ગુસ્સામાં લેવાયેલો એક નિર્ણય કેવી રીતે માસૂમનો જીવ લઈ શકે છે. એક નાની વાત, જે સમજાવટ અને વાતચીતથી ઉકેલી શકાતી હતી, તે એક મોટી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. હાલ પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, ઘટના પાછળ અન્ય કોઈ કારણ તો નથી ને. ગામમાં આ ઘટના પછી સન્નાટો છવાયેલો છે અને લોકો આ દર્દનાક ઘટનાથી સ્તબ્ધ છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
