તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
હત્યાના આરોપમાં પિતા-પુત્ર જેલના સળિયા પાછળ, અને અચાનક 'મૃતક' દીકરી જીવતી હાજર થતાં પોલીસ તંત્રમાં દોડધામ
ડીએનએ રિપોર્ટ આવે તે પહેલાં જ ઉતાવળી ધરપકડ? હત્યાનો કેસ ઉકેલવાનો દાવો કરનાર પોલીસની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો

બુલઢાણા: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના જલગાંવ જામોડમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હત્યાના કેસમાં જે પિતા અને ભાઈને પોલીસે જેલમાં ધકેલી દીધા હતા, તે યુવતી પોતે જ જીવતી-જાગતી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગઈ છે. આ ઘટનાએ પોલીસની તપાસ પદ્ધતિ અને કાર્યવાહી પર અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે જે યુવતીની હત્યા થઈ હોવાનું જાહેર કરી પિતા-ભાઈને આરોપી બનાવ્યા હતા, તે જ યુવતી શિવાની કાલમાકરના ૨૮ મેના રોજ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસ તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે.
શું હતી સમગ્ર ઘટના?
ગયા એપ્રિલ મહિનામાં જલગાંવ જામોડના રાજુરા શિવરા ખાતેથી એક આંશિક રીતે બળી ગયેલી લાશ મળી આવી હતી. મહિલાના ગળામાં મંગળસૂત્ર હોવાથી અને ચહેરો બળી ગયેલો હોવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી. તપાસ દરમિયાન પોલીસ મધ્યપ્રદેશના બુરહાનપુર પહોંચી, જ્યાં શિવાની કાલમાકર નામની યુવતી ગુમ હોવાની ફરિયાદ નોંધાયેલી હતી. પોલીસે શિવાનીના પિતા બાપુરામ કાલમાકર અને ભાઈની અટકાયત કરી અને પ્રેસ નોટ જાહેર કરીને દાવો કર્યો કે તેમણે ગુનો ઉકેલી નાખ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, પિતા-ભાઈએ પ્રેમ પ્રકરણનો ખાર રાખીને શિવાનીની હત્યા કરી અને પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહ બાળી નાખ્યો હતો.
પોલીસની ઉતાવળ અને ગંભીર લાપરવાહી
પરિવારજનોના આરોપ મુજબ, પોલીસે ધરપકડ બાદ પિતા અને ભાઈને જેલમાં ધકેલી દીધા હતા અને તેમની પાસે મારઝૂડ કરીને કબૂલાત પણ કરાવી હતી. સૌથી મોટી બેદરકારી એ રહી કે પોલીસે ડીએનએ રિપોર્ટ આવવાની રાહ પણ ન જોઈ અને માત્ર શંકાના આધારે આખો કેસ રચી દીધો. પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન પાટીલે જણાવ્યું હતું કે, આ એક પડકારજનક તપાસ હતી અને આરોપીઓએ તેમને ગેરમાર્ગે દોર્યા હતા. જોકે, હવે જ્યારે યુવતી પોતે પોલીસ સ્ટેશન પહોંચી છે, ત્યારે પોલીસે તેના તમામ દસ્તાવેજો અને લોહીના નમૂના લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારમાં આક્રોશ અને પોલીસની વિશ્વસનીયતા પર પ્રશ્નો
પોલીસના આ કામકાજથી નારાજ પરિવારજનોનો આક્ષેપ છે કે નિર્દોષ પિતા અને ભાઈને મહિનાઓથી જેલમાં સડવા પડ્યા છે. અત્યારે જલગાંવ જામોડ પોલીસ કઠેડામાં આવી ગઈ છે. પોલીસે પોતાની પીઠ થપથપાવવા માટે ઉતાવળે કરેલી પ્રેસ નોટ અને ધરપકડ હવે ભારે પડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે જે મૃતદેહ જંગલમાંથી મળ્યો હતો, તે ખરેખર કોનો હતો? અને નિર્દોષોને જેલમુક્તિ ક્યારે મળશે? આ ઘટનાએ કાયદાકીય તંત્રમાં સાબિતી વિના ઉતાવળા નિર્ણયો ન લેવા માટે એક લાલબત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
