News of Monday, 22nd June 2026
પિતાએ વિકરાળ દીપડા સાથે ઝપાઝપી કરી દીકરીને બચાવી
ફાધર્સ ડેની આગલી રાતે ઘટના : પુત્રીને છોડાવી અંધારામાં ભાગતી વખતે બંને કૂવામાં પટકાતાં ઘાયલ

મુંબઇ તા.૨૨: ફાધર્સ ડેનો પૂર્વ રાત્રે બનેલી એક દિલધડક ઘટનામાં અહિલ્યાનગર જિલ્લાના ગામડે પિતાએ વિકરાળદીપડા સાથે જાનની પરવા કર્યા વિના ઝપાઝપી કરી દીકરીને બચાવી લીધી હતી. બેટીને દીપડાના પંજામાંથી છોડાવી અંધારામાં નાસતી વખતે બાપ-દીકરી બંને ઊંડા કૂવામાં જઈ પડતા જખમી થયા હતા.
અહિલ્યાનગર જિલ્લાના અકોલા) તાલુકાના ડોંગરગાંવમાં મનોજ ગુંજાલ નામના શખસની પત્ની ચાર વર્ષની દીકરીને તેડીને ઘરના આંગણામાં ઉભી હતી એ વખતે ઘર પાસે લપાઈને બેઠેલા દીપડાએ સીધી દીકરી પર તરાપ મારી હતી અને અંધારામાં પૂરી તાકાતથી બાળકીને જંગલમાં ઘસડી જવા માંડયો હતો. બેટીની ચીસાચીસ અને તેની માતાની બૂમાબૂમ સાંભળી મનોજ ગુંજાલ ક્ષણનોય વિલબ કર્યા વિના અંધારામાં પાછળ ભાગ્યો હતો અને દીપડો નજરે પડતા તેની ઉપર હિમતથી તૂટી પડયો હતો. રીતસર ઝપાઝપી કરી દીકરીને દીપડાના પંજામાંથી છોડાવી હતી. જોરદાર પ્રતિકારને લીધે દીપડો જંગલમાં નાસી ગયો હતો.
દીકરીને તેડીને ગુંજાલ અંધારામાં ઘર તરફ દોડીને આવતો હતો ત્યારે પાળી વગરના કૂવામાં બંને જઈ પડયા હતા. બચાવો. બચાવાની બૂમાબૂમ સાંભળી ગામવાસીઓ દોડી આવ્યા હતા અને બાપ- દીકરીને કૂવામાંથી બહાર ખેંચી કાઢયા હતા. ત્યાર બાદ બંનેને સારવાર માટે સંગમનેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
