<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

‘કૈસા હરાયા…’ ના વિવાદાસ્પદ નિવેદનથી ચર્ચામાં આવેલી નગરસેવિકાના પિતાને શિવસેના સાથે જોડાયેલી સંસ્થામાં મળી મોટી જવાબદારી: યુનુસ શેખે પક્ષપ્રવેશની વાત ફગાવી!

મુંબ્રાનાં ચર્ચિત નગરસેવિકા સહર શેખના પિતા યુનુસ શેખને એકનાથ શિંદેની શિવસેના સાથે સંકળાયેલી 'અખિલ ભારતીય કેબલ સેના'ના કલવા-મુંબ્રા વિભાગના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

મુંબઈ : મહારાષ્ટ્રના થાણે અને મુંબ્રા વિસ્તારનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં AIMIM ની ટિકિટ પર વિજય મેળવીને ચર્ચામાં આવેલી નગરસેવિકા સહર શેખના પિતા યુનુસ શેખને એકનાથ શિંદેની શિવસેના સમર્થિત 'અખિલ ભારતીય કેબલ સેના'ના કલવા-મુંબ્રા વિભાગના પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિયુક્તિ દર્શાવતા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આશીર્વાદથી આ પદ સોંપવામાં આવ્યું છે અને સંસ્થાને મજબૂત કરવા માટે કામ કરવા જણાવાયું છે. આ ઘટનાક્રમ બાદ રાજકીય ગલિયારામાં અનેક પ્રકારની અટકળો લગાવાઈ રહી છે.

 

જોકે, આ માનેલા રાજકીય વિવાદ વચ્ચે ખુદ યુનુસ શેખે સામે આવીને સ્પષ્ટતા કરી છે અને તેઓ શિવસેનામાં જોડાયા હોવાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૪૦ વર્ષથી કેબલ અને ઇન્ટરનેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ક્ષેત્રે કામ કરતા લોકોના હિતોનું રક્ષણ કરવા અને તેમની સમસ્યાઓ ઉકેલવા માટે તેમને આ સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ નિમણૂકને કોઈ પક્ષપ્રવેશ કે રાજકીય જોડાણ તરીકે જોવી જોઈએ નહીં.

 

ઉલ્લેખનીય છે કે, થાણે મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે વોર્ડ નંબર ૩૦માંથી AIMIM ની ટિકિટ પર જીત મેળવનાર સહર શેખનું વિજયી ભાષણ ખૂબ જ વાયરલ થયું હતું. ચૂંટણી જીત્યા બાદ તેમણે વિરોધીઓને સંબોધતા 'કૈસા હરાયા...' એવું આક્રમક નિવેદન આપ્યું હતું અને આખા મુંબ્રાને લીલા રંગથી રંગવાની વાત કરી હતી, જેના કારણે મહાયુતિના નેતાઓ દ્વારા તેમની ભારે ટીકા કરવામાં આવી હતી. તે સમયે યુનુસ શેખ અને તેમની પુત્રીએ એનસીપી (શરદચંદ્ર પવાર જૂથ)ના નેતા જિતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો કારણ કે તેમને ત્યાંથી ટિકિટ મળી નહોતી.

 

હવે ચૂંટણીના થોડા જ સમય બાદ સહર શેખના પિતાને શિવસેના પ્રેરિત સંસ્થામાં પદ મળતા ફરી એકવાર જૂના સમીકરણો અને નવા રાજકીય સમીકરણોની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભલે યુનુસ શેખે પક્ષમાં જોડાવાનો ઇનકાર કર્યો હોય, પરંતુ આગામી સમયમાં આ નિમણૂક સ્થાનિક રાજકારણમાં કેવા રંગ લાવે છે તે તો આવનારો સમય જ બતાવશે.

 

(8:08 PM IST)