તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
પાકિસ્તાનમાં મોતનું તાંડવ : મુસાફરોથી ભરેલી બસ અને ગેસ ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર, ૧૦નાં જીવતા સળગી જતા મોત, ૨૭ ઘાયલ, સંખ્યાબંધ ગંભીર
અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ ભભૂકી : મહિલા અને બાળક સહિતના મુસાફરો ભડથું, હાઇવે પર કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા

ગ્વાદર : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાન કોસ્ટલ હાઇવે ઉપર આજે સવારે મુસાફર બસ અને એલપીજી ગેસ ટેન્કર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૨૭ મુસાફરો ઘાયલ થયા છે. ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળતાં અનેક મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા.
ગ્વાદર જિલ્લાના ઓરમારા નજીક બસોલ વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. તુર્બતથી કરાચી જઈ રહેલી મુસાફર બસ સામેથી આવતા ગેસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ગણતરીની ક્ષણોમાં જ આગે બંને વાહનોને લપેટમાં લઈ લીધાં હતાં. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઊઠ્યા હતા. બસ લગભગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. મૃતકોમાં એક મહિલા અને બાળકનો પણ સમાવેશ થાય છે.
અકસ્માતની જાણ થતાં પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘાયલોને ઓરમારા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા. દુર્ઘટનાને કારણે મકરાન કોસ્ટલ હાઇવે ઉપર કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી તથા વડાપ્રધાન શાહબાઝ શરીફે દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
