News of Friday, 27th November 2026
ખેડૂતોની ખુશી બમણી: તહેવારોની મોસમમાં ટ્રેક્ટરની ધૂમ ખરીદી : ૪૨ દિવસમાં ૧ લાખથી વધુ ટ્રેક્ટર વેચાયા!
સતત બીજા વર્ષે ટ્રેક્ટર બજારમાં ઐતિહાસિક તેજી : ૨૦૨૪ની સરખામણીએ વેચાણમાં ૧૭.૩૧% નો જંગી ઉછાળો અને મહિન્દ્રા-સ્વરાજનો દબદબો યથાવત

આ વર્ષે તહેવારોની મોસમમાં કાર અને બાઈકની સાથે સાથે ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા ટ્રેક્ટર બજારમાં પણ જોરદાર રોનક જોવા મળી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના તાજેતરના આંકડા મુજબ, ૧૧ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર સુધીના ૪૨ દિવસના તહેવારી સમયગાળામાં દેશભરમાં કુલ ૧,૦૩,૮૦૯ ટ્રેક્ટરનું વેચાણ થયું છે. ગયા વર્ષે ૨૦૨૫માં આ જ સમયગાળા દરમિયાન ૧,૦૧,૫૩૨ ટ્રેક્ટર વેચાયા હતા, જેની સરખામણીએ આ વર્ષે ૨,૨૭૭ યુનિટ એટલે કે ૨.૨૪ ટકાનો વધારો નોંધાયો છે. ખાસ વાત એ છે કે સતત બીજા વર્ષે તહેવારોમાં ટ્રેક્ટરનું વેચાણ એક લાખના આંકડાને પાર કરી ગયું છે, જ્યારે ૨૦૨૪ (૮૮,૪૮૮ યુનિટ) ની સરખામણીમાં આ વર્ષે ૧૭.૩૧ ટકાનો મજબૂત ઉછાળો જોવા મળ્યો છે.
કંપની મુજબ ઓક્ટોબર મહિનાના વેચાણના આંકડાઓ પર નજર કરીએ તો, બજારમાં મહિન્દ્રા ગ્રુપનો એકતરફી દબદબો રહ્યો છે. મહિન્દ્રા ટ્રેક્ટર ડિવિઝને ૧૮,૨૬૩ યુનિટ (૨૩.૦૩% હિસ્સો) અને સ્વરાજ ડિવિઝને ૧૪,૨૦૬ યુનિટ (૧૭.૯૨% હિસ્સો) નું વેચાણ કરીને કુલ બજારના આશરે ૪૦ ટકા હિસ્સા પર કબજો જમાવ્યો છે. ત્યારબાદ સોનાલિકા ટ્રેક્ટર બનાવતી ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ ૧૦,૩૬૪ યુનિટ (૧૩.૦૭%) સાથે ત્રીજા સ્થાને અને ટેફે (TAFE) ૯,૨૫૬ યુનિટ (૧૧.૬૭%) સાથે ચોથા સ્થાને રહી છે. આ ઉપરાંત એસ્કોર્ટ ટ્રેક્ટર્સે ૮,૩૩૧, જોન ડીરે ૬,૪૩૯, આઇશર ટ્રેક્ટર્સે ૪,૮૫૮ અને CNH ઇન્ડસ્ટ્રિયલે ૩,૯૯૨ ટ્રેક્ટર વેચીને તહેવારોની મોસમનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે.
ઓટોમોબાઈલ નિષ્ણાતોના મતે, નવરાત્રીથી શરૂ થઈને ધનતેરસ પછીના ૧૫ દિવસ સુધી ચાલતા આ ૪૨ દિવસો ખેડૂતો માટે નવી ખરીદી કરવા સૌથી શુભ ગણાય છે. સારા ચોમાસા અને પાકના સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ આ વર્ષે નવા કૃષિ સાધનો અને ટ્રેક્ટરોમાં મોટું રોકાણ કર્યું છે. વર્ષ ૨૦૨૪માં ૩ ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર અને ૨૦૨૫માં ૨૨ સપ્ટેમ્બરથી ૨ નવેમ્બર સુધી ચાલેલી તહેવારોની મોસમની સરખામણીએ, ૨૦૨૬ની મોસમ ગ્રામીણ બજારની મજબૂતી અને ખેડૂતોની વધતી ખરીદશક્તિનું સ્પષ્ટ પ્રમાણ આપે છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
