News of Monday, 12th October 2026
ખેડૂતના ખેતરેથી સીધા સૈનિકની થાળી સુધી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેના માટે શરૂ કરી ખાસ 'ભારત ચોખા' યોજના!
ભારતીય સેના અને FCI વચ્ચે ૫ વર્ષ માટે ઐતિહાસિક કરાર: હવે ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખા સીધા આર્મી ડેપોમાં પહોંચાડાશે : જય જવાન, જય કિસાન નો મંત્ર સાકાર થયો!

નવી દિલ્હી: દેશની સરહદોનું રક્ષણ કરતા વીર જવાનોના સ્વાસ્થ્ય અને પોષણને પ્રાધાન્ય આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી ખાતેથી ભારતીય સેના માટે ખાસ 'ભારત ચોખા યોજના' નો પ્રારંભ કરાવ્યો છે. ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીની હાજરીમાં ભારતીય સેના અને ભારતીય ખાદ્ય નિગમ (FCI) વચ્ચે આ સંદર્ભે ૫ વર્ષ માટે એક મોટો કરાર થયો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે ઉચ્ચ ગુણવત્તાવાળા અને સંરક્ષણ ધોરણો અનુસાર ખાસ મિલિંગ કરાયેલા ચોખા સીધા આર્મી સપ્લાય ડેપો સુધી પહોંચાડવામાં આવશે, જેનાથી સેનાએ હવે વેરહાઉસમાંથી અનાજ ખરીદવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
આ પ્રસંગે યોજનાનું મહત્વ સમજાવતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, આ પહેલ "જય જવાન અને જય કિસાન" ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરે છે. આ એક એવી ઉત્કૃષ્ટ વ્યવસ્થા છે જે ખેડૂતોની મહેનતને સીધી જ સૈનિકોની થાળી સુધી પહોંચાડીને તેમની શક્તિમાં પરિવર્તિત કરે છે. સૈનિકોનું કલ્યાણ એ રાષ્ટ્રીય સુરક્ષાનો એક અભિન્ન ભાગ છે અને દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનો માટે પૌષ્ટિક ખોરાક તેમના મનોબળ અને શારીરિક સહનશક્તિને મજબૂત બનાવે છે. આગળની સરહદી પોસ્ટ્સ પર સરળ પરિવહન માટે ચોખાને ૧૦ કિલો અને ૩૦ કિલોની વિશેષ પેકિંગ બેગમાં ઉપલબ્ધ કરાવાશે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય ગ્રાહકોને મોંઘવારીથી રાહત આપવા માટે ૨૦૨૪ માં શરૂ કરાયેલી ભારત ચોખા યોજનાનો હવે સેના માટે વિસ્તાર કરવામાં આવ્યો છે. સેના, FCI, NAFED અને ખાદ્ય વિભાગ વચ્ચે સતત ૧૮ મહિનાના સંકલન બાદ આ ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે, જેનું વિતરણ વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માં NAFED દ્વારા કરવામાં આવશે. સપ્લાય પહેલા ચોખાની ગુણવત્તાનું કડક નિરીક્ષણ કરવામાં આવશે જેથી જવાનો સુધી શ્રેષ્ઠ અનાજ પહોંચી શકે. આ અગાઉ સરકારે સૈનિકો માટે ઓર્ગેનિક રાશન તેમજ અગ્નિવીરો માટે વધારાના રાશન જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકી છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
