તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ખેડૂતો પર આબોહવા પરિવર્તનનો મોટો ફટકો: ખરીફ બાદ રવી પાક પર 'અલ નિનો'નું ઘાતક સંકટ, દેશમાં ખાદ્યાન્ન ઉત્પાદન ઘટવાની ગંભીર આશંકા!
ઓક્ટોબરથી શરૂ થતી ઘઉં-સરસવની વાવણી પહેલા કૃષિ સચિવ અતિશ ચંદ્રાની ચેતવણી: "કઠોળ અને તેલીબિયાંમાં આત્મનિર્ભરતા માટે પાક વૈવિધ્યકરણ અને આધુનિક માળખાકીય સુવિધાઓ અનિવાર્ય".

નવી દિલ્હી: હવામાનમાં આવી રહેલા ઝડપી પલટા અને 'અલ નિનો' (El Nino) ની પ્રતિકૂળ અસરોને કારણે દેશના વરસાદ આધારિત વિસ્તારો માટે આગામી રવી (શિયાળુ) પાકની મોસમ અત્યંત પડકારજનક બનવાની ભીતિ સેવાઈ રહી છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય કૃષિ પરિસંવાદને સંબોધતા કેન્દ્રીય કૃષિ સચિવ અતિશ ચંદ્રાએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ચોમાસા આધારિત વિસ્તારોમાં ખરીફ મોસમ પણ મુશ્કેલીભરી રહી હતી અને હવે તેની સીધી અસર દેશના કુલ ખાદ્યાન્ન ઉત્પાદન પર પડી શકે છે.
અત્રે નોંધનીય છે કે ઓક્ટોબર મહિનાથી દેશમાં આશરે ૬૩૮ લાખ હેક્ટર જમીનમાં ઘઉં, સરસવ અને કઠોળ જેવા રવી પાકોનું વાવેતર શરૂ થાય છે. કૃષિ સચિવે સ્પષ્ટ કર્યું કે આબોહવા પરિવર્તન (Climate Change) હવે ભવિષ્યનો મુદ્દો નથી પરંતુ વર્તમાનની કડવી વાસ્તવિકતા બની ગયું છે. અમુક રાજ્યોમાં ભારે કે અકાળે પડેલા વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધુ છે, તો બીજી તરફ ઓછા વરસાદવાળા વિસ્તારોમાં લાંબા સમય સુધી દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આથી દરેક રાજ્યોએ તાકીદે આગવી રણનીતિ ઘડવી પડશે.
ભારતે અનાજના ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવી હોવા છતાં કઠોળ, તેલીબિયાં અને બાગાયતી પેદાશોની મોટાપાયે આયાત કરવી પડે છે. આ નિર્ભરતા ઘટાડવા માટે 'પાક વૈવિધ્યકરણ' (Crop Diversification) અને 'સોઈલ હેલ્થ પ્રોગ્રામ' જેવી યોજનાઓનો માત્ર સબસિડી પૂરતો નહિ પણ જમીની સ્તરે અમલ કરવો જરૂરી છે. આ ઉપરાંત, ઉત્પાદન પછી થતું નુકસાન અટકાવવા કોલ્ડ સ્ટોરેજ અને માર્કેટિંગ જેવી માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણ પર પણ સરકારે ખાસ ભાર મૂક્યો છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
