News of Tuesday, 27th October 2026
મહારાષ્ટ્રમાં ખેડૂતોની દિવાળી સુધરી: ૪.૧૫ લાખ ખેડૂતોનું ૨ લાખ રૂપિયા સુધીનું દેવું માફ, ખાતામાં આવશે રૂ. ૫૦૦૦
પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર યોજના હેઠળ સરકારે ચોથી યાદી જાહેર કરી અને ૧.૫૦ કરોડ ખેડૂતો માટે આગોતરી દુષ્કાળ સહાય મંજૂર કરી.

મુંબઈ, તા.27: મહારાષ્ટ્ર સરકાર દ્વારા દિવાળી પૂર્વે રાજ્યના દેવાદાર અને દુષ્કાળથી પરેશાન ખેડૂતો માટે એક મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી 'પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર ખેડૂત દેવામાફી યોજના ૨૦૨૬' અંતર્ગત ચોથી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય હેઠળ રાજ્યના વધુ ૪,૧૫,૦૦૦ ખેડૂતોને રૂ. ૨ લાખ સુધીની સંપૂર્ણ દેવામુક્તિ આપવામાં આવી છે, જ્યારે ૧.૫૦ કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. ૫૦૦૦ ની આગોતરી દુષ્કાળ સહાય જમા કરાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
સરકારના સહકાર વિભાગ દ્વારા ૪.૧૫ લાખ ખેડૂતોના રૂ. ૪૦૦૦ કરોડના દેવામાફી પ્રસ્તાવને નાણાં વિભાગ સમક્ષ મંજૂરી અર્થે મોકલી દેવાયો છે. લક્ષ્યાંકિત ૨૫ લાખ ખેડૂતોમાંથી અત્યાર સુધીમાં ૧૫,૮૫,૪૯૩ ખેડૂતોને યોજનાનો લાભ મળી ચૂક્યો છે અને રાજ્ય સરકારે રૂ. ૧૩,૨૭૫ કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી છે. આ યોજનાનો સૌથી મોટો લાભ દુષ્કાળગ્રસ્ત મરાઠવાડાના ૬.૨૭ લાખ ખેડૂતોને પ્રાપ્ત થયો છે.
આ યોજના હેઠળ ૧ એપ્રિલ, ૨૦૧૯ થી ૩૧ માર્ચ, ૨૦૨૫ દરમિયાન વિતરિત થયેલા અને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી પરત ન ભરાયેલા પાક ધિરાણને આવરી લેવાયા છે. રૂ. ૨ લાખ સુધીનું બાકી પાક ધિરાણ તેમજ રિયરેન્જ કરાયેલા તમામ લોન ખાતાઓ સંપૂર્ણ માફ કરાયા છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે હજુ પણ ૪.૮૨ લાખ ખેડૂતોનું કેવાયસી બાકી હોવાથી તેમણે નજીકના કેન્દ્ર પર જઈને ઓળખ ચકાસણી પૂર્ણ કરવી આવશ્યક છે.
દુષ્કાળને કારણે પાક નિષ્ફળ જતાં કેબિનેટ બેઠકમાં રાજ્યના ૧.૫૦ કરોડ ખેડૂતો માટે ચાલુ અઠવાડિયામાં જ રૂ. ૫૦૦૦ ની એડવાન્સ સહાય ચૂકવવાનો નિર્ણય કરાયો છે. આ મુદ્દે મુખ્યમંત્રી દ્વારા બેંકોને કડક આદેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણ બેંક ખેડૂતોના જૂના દેવા કે વ્યાજ પેટે સરકારી સહાયની આ રકમ કાપી શકશે નહીં અને આ પૂરેપૂરી રકમ ખેડૂતોના હાથમાં જ પહોંચવી જોઈએ.
બીજી તરફ, કેબિનેટ બેઠકમાં ખાનગી ફાયનાન્સ કંપનીઓ અને માઈક્રોફાયનાન્સ સંસ્થાઓની આક્રમક વસૂલાત પદ્ધતિ સામે મંત્રીઓએ ભારે નારાજગી દર્શાવી હતી. સંકટ સમયમાં જો કોઈ પણ ફાયનાન્સ કંપનીના રિકવરી એજન્ટ ખેડૂત સાથે ગેરવર્તણૂક કરશે અથવા ધાકધમકી આપીને તકાદો કરશે તો તેમની સામે સીધો ફોજદારી ગુનો (FIR) દાખલ કરવા પોલીસ તંત્રને આદેશ અપાયા છે.
અત્યાર સુધીમાં જે ખેડૂતોનું ઓનલાઈન વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે તેમના ખાતામાં દિવાળી પહેલાં જ નાણાં જમા થઈ જશે. આ વ્યાપક દેવામાફી અને આગોતરી સહાયથી રાજ્યના લાખો કિસાન પરિવારમાં દિવાળીનો તહેવાર ખુશીઓ સાથે ઉજવાશે અને કૃષિ ક્ષેત્રમાં નવી આશાનો સંચાર થશે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
