તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
ગ્રાન્ડ વેલકમ વખતે ફરાહ ખાને તિલક લગાવતા મહિલાને રોકી: વાયરલ વીડિયોને પગલે બોલિવૂડ ડિરેક્ટર સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાને
ઢોલ-નગારા અને ફૂલોની વર્ષા વચ્ચે સ્વાગત દરમિયાન બનેલી ઘટનાથી નેટીઝન્સ ભડક્યા; યુઝર્સે સેક્યુલર છબી પર ઉઠાવ્યા સવાલો, ફરાહ ખાન તરફથી સ્પષ્ટીકરણની રાહ

મુંબઈ : જાણીતી બોલિવૂડ કોરિયોગ્રાફર અને ફિલ્મ ડિરેક્ટર ફરાહ ખાન અત્યારે પોતાની ફિલ્મો કરતા યુટ્યુબ પર ચાલતા કૂકિંગ અને ફૂડ બ્લોગને લઈને સતત ચર્ચામાં રહે છે. તેઓ અવારનવાર વિવિધ બોલિવૂડ સેલિબ્રિટીઝના ઘરે જઈને વાનગીઓનો આનંદ માણતા અને વીડિયો બનાવતા જોવા મળે છે. જોકે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને કારણે ફરાહ ખાન ગંભીર રીતે ટ્રોલર્સના નિશાને ચઢી ગઈ છે અને તેને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ફરાહ ખાનનું એક સ્થળે ઢોલ-નગારાના તાલ અને ફૂલોની વર્ષા સાથે અત્યંત ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક મહિલા ભારતીય સંસ્કૃતિ મુજબ ફરાહના કપાળ પર તિલક કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ફરાહ ખાન તેને નમ્રતાપૂર્વક પણ હાથથી રોકી દે છે. તિલક લગાવવાનો ઇનકાર કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ નેટીઝન્સે ફરાહ ખાનની આકરી ટીકા કરવાનું શરૂ કરી દીધું છે.
આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો છે. ફરાહ ખાનની અસહજતા પર સવાલો ઉઠાવતા એક યુઝરે લખ્યું હતું કે, "અહીં જ ધર્મનિરપેક્ષતાની પોલ ખૂલી જાય છે." તો બીજા એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, "તેઓ માત્ર એક જ ટિક્કા સ્વીકારે છે અને તે છે પનીર ટિક્કા." કેટલાક લોકોએ કહ્યું કે ફરાહ પોતાના બ્લોગમાં હંમેશા પોતાને સેક્યુલર બતાવે છે, તો પછી પરંપરાગત તિલકનો સ્વીકાર કરવામાં અણગમો કેમ? જોકે, કેટલાક લોકોએ આ બાબતને તેની અંગત પસંદગી ગણાવીને ફરાહનો બચાવ પણ કર્યો છે.
બીજી તરફ, કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે કોઈ વ્યક્તિ ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરામાં કેવી રીતે ભાગ લેવા માંગે છે તે તેની સંપૂર્ણ અંગત બાબત છે અને માત્ર એક વીડિયોના આધારે તેના મૂડ કે ઈરાદા પર નિર્ણય ન લેવો જોઈએ. જોકે, આ સમગ્ર વિવાદ વધુ ઘેરાઈ રહ્યો હોવા છતાં અત્યાર સુધી ફરાહ ખાન કે તેમની ટીમ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૪માં શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ 'મૈં હૂં ના' થી દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કરનાર ફરાહ ખાને 'ઓમ શાંતિ ઓમ' અને 'હેપ્પી ન્યૂ યર' જેવી સફળ ફિલ્મો આપી છે. હાલમાં તેઓ એક સફળ યુટ્યુબર તરીકે સક્રિય છે. તાજેતરમાં જ તેમણે બોલિવૂડ ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતના ૫૩મા માળે આવેલા આશરે ૪૮ કરોડના આલીશાન ઘરની મુલાકાત લીધી હતી, જેનો વીડિયો પણ ફેન્સ વચ્ચે ખૂબ લોકપ્રિય થયો હતો.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
