તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
મૃતકની છેલ્લી ઈચ્છા પૂરી કરવા પરિવારે બોલાવી ડાન્સર્સ
અંતિમ સંસ્કાર છે કે ડાન્સ પાર્ટી? શોક સભાને બદલે ડાન્સ અને સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

બેંગકોક તા.૨૭: મૃત્યુ પછી શોક મનાવવાની પરંપરા દુનિયાભરમાં છે. લોકો કાળા કપડાં પહેરે છે અને આંસુ વહાવે છે, પરંતુ થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા પ્રાંતમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિના અંતિમ સંસ્કારમાં શોક સભાને બદલે ડાન્સ અને સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ જોઈને આસપાસના લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે.
સામાન્ય રીતે જ્યારે આપણે અંતિમ સંસ્કાર વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા મનમાં એક શાંત અને દુઃખથી ભરેલા વાતાવરણનું ચિત્ર ઉભરી આવે છે, જ્યાં લોકો શોકમાં ડૂબીને પોતાના પ્રિયજનને છેલ્લી વિદાય આપે છે. પરંતુ દુનિયામાં કેટલીક જગ્યાઓ અને લોકો એવા પણ છે, જે પરંપરાઓથી હટકે વિચારે છે. હાલમાં જ થાઈલેન્ડથી એક એવો જ કિસ્સો સામે આવ્યો, જેણે દરેકને હેરાન કરી દીધા હતા. અહીં એક પરિવારે પોતાની પ્રિય વ્યક્તિની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે અંતિમ સંસ્કારમાં ડાન્સર્સ બોલાવી લીધી હતી. આ અનોખો નિર્ણય હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
હકીકતમાં આ ઘટના થાઈલેન્ડના વાટ થેપ્પનોમ ચુએટમંદિરની છે, જે નખાન સી થમ્મરતના રોન ફિબુન જિલ્લામાં આવેલું છે. અહીં ૫૯ વર્ષીય એક વ્યક્તિના અંતિમ સંસ્કાર દરમિયાન કંઈક એવું બન્યું, જેને જોઈને લોકો આヘર્યચકિત થઈ ગયા હતા. મંદિર પરિસરમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ વાતાવરણ પરંપરાગત શાંતિ અને દુઃખને બદલે કંઈક અલગ જ દેખાઈ રહ્યું હતું.
બેંગકોક પોસ્ટના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પરિવારે પોતે નહીં પરંતુ મૃતકની છેલ્લી ઈચ્છાને ધ્યાનમાં રાખીને લીધો હતો. હકીકતમાં તે વ્યક્તિની એવી ઈચ્છા હતી કે, તેના મૃત્યુ પછી લોકો દુઃખી ન થાય, પરંતુ તેના જીવનને ખુશી અને સ્મિત સાથે યાદ કરે. આ જ ઈચ્છા પૂરી કરવા માટે પરિવારે અંતિમ સંસ્કાર પહેલા ત્રણ 'કોયોટ ડાન્સર'ને બોલાવી હતી. આ ડાન્સર્સે શબપેટી સામે ડાન્સ પર્ફોર્મ કર્યો હતો. ત્યાં હાજર લોકો માટે આ દ્રશ્ય એકદમ અલગ અને ચોંકાવનારું હતું, કારણ કે સામાન્ય રીતે આવા પ્રસંગે આ પ્રકારનું આયોજન જોવા મળતું નથી.
આ સમગ્ર આયોજનનો વીડિયો ત્યાં હાજર લોકોએ રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. જોતજોતામાં આ વીડિયો વાયરલ થઈ ગયો અને લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ આ પગલાના વખાણ કર્યા અને કહ્યું કે, આ મૃતકની છેલ્લી ઈચ્છાનું સન્માન છે. તેમનું માનવું હતું કે, કોઈના માટે રડવાને બદલે તેના જીવનને ખુશીથી યાદ કરવું એ એક સકારાત્મક વિચાર છે. તો બીજી તરફ, ઘણા લોકો આ વાત સાથે સહમત ન દેખાયા. તેમનું કહેવું હતું કે, અંતિમ સંસ્કાર જેવા ગંભીર પ્રસંગે આ પ્રકારનું આયોજન કરવું યોગ્ય નથી.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
