તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
દિલ્હી-મેલબોર્ન ફ્લાઇટમાં ૧૧ મહિનાના માસૂમ બાળક અને પરિવારને પૂરતું ભોજન ન આપવું સિંગાપોર એરલાઇન્સને પડ્યું મોંઘુ: પંજાબ ગ્રાહક આયોગે એરલાઇન્સને ₹૫૦,૦૦૦ વળતર ચૂકવવાનો આપ્યો આદેશ
લાંબી મુસાફરી દરમિયાન મુસાફરો અને નાના બાળક માટે દૂધ તેમજ ભોજન પૂરા પાડવામાં નિષ્ફળ રહેલી એરલાઇન્સની 'સેવામાં ખામી' (Deficiency in Service) બદલ ગ્રાહક આયોગે એરલાઇન્સનો બચાવ ફગાવ્યો.

ચંદીગઢ : આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં મુસાફરોની સુવિધા અને ખાણીપીણીની વ્યવસ્થાને લઈને એરલાઇન્સ કંપનીઓની મોટી બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. 'બાર એન્ડ બેન્ચ' ના અહેવાલ મુજબ, પંજાબ સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ) દ્વારા સિંગાપોર એરલાઇન્સ સામે એક મોટો અને કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. આયોગે દિલ્હીથી મેલબોર્નની લાંબી મુસાફરી દરમિયાન એક મુસાફરના પરિવારને પૂરતું ભોજન આપવા અને નાની બાળકી માટે દૂધની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહેવા બદલ એરલાઇન્સને 'સેવામાં ખામી' માટે દોષિત ઠેરવી છે અને કુલ ₹૫૦,૦૦૦ નું સંયુક્ત વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ઘટનાની વિગતો અનુસાર, ૪ માર્ચ, ૨૦૨૦ ના રોજ જસપ્રીત સિંહનો પરિવાર (તેમની પત્ની, સાસુ અને ૧૧ મહિનાની માસૂમ પુત્રી) સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા દિલ્હીથી મેલબોર્ન જવા માટે રવાના થયો હતો. આ ૧૫ કલાકની લાંબી મુસાફરી દરમિયાન એરલાઇન્સના કર્મચારીઓ પરિવારને કે તેમના ૧૧ મહિનાના બાળકને પૂરતું ભોજન કે દૂધ આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. આ અગવડતાથી ત્રાસીને મુસાફરે એરલાઇન્સને ઈમેલ દ્વારા ફરિયાદ કરી હતી, પરંતુ એરલાઇન્સે કોઈ સંતોષકારક જવાબ આપવાને બદલે એવું રટણ કર્યું હતું કે કોઈ વિશેષ ભોજન (Special Meal) ની માંગણી કરવામાં આવી ન હતી અને મુસાફરે પોતાના ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરવો જોઈએ.
આ અસંવેદનશીલ જવાબથી નારાજ થઈને જસપ્રીત સિંહે રોપર સ્થિત જિલ્લા ગ્રાહક આયોગમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં તેમણે ટિકિટના ૧.૨૫ લાખ રૂપિયા પરત માંગવાની સાથે ૧૦ લાખ રૂપિયાના વળતરની માંગણી કરી હતી. અગાઉ જાન્યુઆરી ૨૦૨૩ માં જિલ્લા આયોગે એરલાઇન્સ અને ટ્રાવેલ એજન્ટને ટિકિટનું ભાડું વ્યાજ સહિત પરત કરવાનો તેમજ ₹૨૫,૦૦૦ વળતર તથા ₹૧૧,૦૦૦ કાનૂની ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય સામે સિંગાપોર એરલાઇન્સે રાજ્ય આયોગમાં અપીલ કરી હતી કે નિયમિત મેનૂમાં ભોજન ઉપલબ્ધ હતું અને કોઈ સ્પેશિયલ મીલ માંગ્યું ન હતું.
રાજ્ય ગ્રાહક આયોગે એરલાઇન્સની આ દલીલને સદંતર ફગાવી દીધી હતી. ૭ ઓક્ટોબરના પોતાના મહત્વપૂર્ણ આદેશમાં આયોગે સ્પષ્ટ કર્યું હતું કે જો મુસાફરે વિશેષ ભોજન ન માંગ્યું હોય તો પણ, લાંબી ફ્લાઇટ દરમિયાન સામાન્ય અને પૂરતું ભોજન પૂરું પાડવાની મૂળભૂત જવાબદારી એરલાઇન્સની જ છે, અને એરલાઇન્સ એ વાતના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે કે તેમણે ખરેખર પૂરતું ભોજન પીરસ્યું હતું. જોકે, મુસાફરોએ મુસાફરી પૂર્ણ કરી લીધી હોવાથી સંપૂર્ણ ટિકિટ ભાડું પરત કરવું અયોગ્ય ગણીને આયોગે વળતરની રકમમાં ફેરફાર કર્યો હતો અને માનસિક વેદના તથા પરેશાની બદલ ૪૫ દિવસની અંદર ₹૫૦,૦૦૦ (કાનૂની ખર્ચ સહિત) ચૂકવવાનો આદેશ આપ્યો છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
