<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

જયપુરની 'પિંક સિટી'માં આતંકનો નકલી ચહેરો: લશ્કરનો 'ખરગોશ' પાસપોર્ટ મેળવી વિદેશ છૂમંતર!

એસી રિપેરિંગના બહાને રહેતો હતો પાકિસ્તાની આતંકવાદી : નકલી દસ્તાવેજોના જોરે પાસપોર્ટ ઓફિસની સુરક્ષા તોડી સાઉદી ભાગી છૂટ્યો: ATS ના ઓપરેશનમાં ચારની ધરપકડ!

જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક વર્ષ સુધી લશ્કર-એ-તૈયબાનો ખતરનાક આતંકવાદી ઉમર હાસીમ ઉર્ફે 'ખરગોશ' કોઈની પણ નજરમાં આવ્યા વગર રહેતો હતો, જેણે હવે ભારતીય સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી છે. આતંકવાદી ખરગોશ જયપુરના ગીચ વોલ્ડ સિટી વિસ્તારમાં 'સહજાદ' બનીને રહેતો હતો અને સામાન્ય માણસની જેમ ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં એસી રિપેરિંગનું કામ કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે પાસપોર્ટ મેળવવા માટે સામાન્ય નાગરિકોએ અસંખ્ય ધક્કા ખાવા પડે છે, તે પાસપોર્ટ આ આતંકવાદીએ નકલી દસ્તાવેજો અને સ્થાનિક મદદગારોના સહારે સરળતાથી મેળવી લીધો અને ગલ્ફ દેશમાં ફરાર થઈ ગયો.

શ્રીનગર પોલીસ અને રાજસ્થાન ATSની તપાસમાં બહાર આવ્યું છે કે, ખરગોશ માત્ર એક આતંકવાદી નહોતો પરંતુ તે લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો વિશ્વાસુ અને પાકિસ્તાની આતંકવાદી અબુ હુરૈરાનો ખાસ માણસ હતો. તેણે શ્રીનગરમાં એક અંડરગ્રાઉન્ડ વર્કરની પુત્રી સાથે લગ્ન કર્યા હતા અને તે લગ્નના દસ્તાવેજોનો ઉપયોગ કરીને જયપુરમાં પાસપોર્ટ બનાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે જયપુરના પ્રખ્યાત મંદિરો અને ભીડભાડવાળા સ્થળોની રેકી પણ કરી હોવાની આશંકા છે. તે સાઉદી અરેબિયા ભાગી ગયો હોવાના અહેવાલો વચ્ચે હવે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે તેના મોડ્યુલના મૂળિયા રાજસ્થાનમાં કેટલા ઊંડા છે.

હાલમાં ATS એ આ મામલે ચાર શંકાસ્પદોની અટકાયત કરી છે, જેમાં આતંકવાદીને આશ્રય આપનાર મકાનમાલિક અને તેને નોકરી આપનાર દુકાનદારનો પણ સમાવેશ થાય છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જયપુર આવતા પહેલા તે હરિયાણાના નુહ મેવાતમાં પણ રોકાયો હતો. એક પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ઘૂસીને, દસ્તાવેજો બનાવીને વિદેશ ભાગી જાય તે સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કરે છે. હવે કેન્દ્રીય એજન્સીઓ આ આતંકવાદીને પરત લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચક્રો ગતિમાન કરી રહી છે.

(6:57 PM IST)