<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

નકલી CIA એજન્ટનો ભાંડો ફૂટ્યો: ભારતીય મૂળના ઉદ્યોગપતિએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે આચરી અબજો ડોલરની છેતરપિંડી

.૩૬ ફાઇટર જેટ અને બ્લેક હોક હેલિકોપ્ટરના નામે બોગસ શેલ કંપનીઓ દ્વારા અબજોના સંરક્ષણ સોદા પડાવવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો

જકાર્તા: આંતરરાષ્ટ્રીય સ્તરે સંરક્ષણ સોદાના નામે આચરવામાં આવેલી એક અત્યંત ચોંકાવનારી વૈશ્વિક છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ભારતીય મૂળના બિઝનેસમેન ગૌરવ શ્રીવાસ્તવ પર આરોપ છે કે તેમણે અમેરિકાની ટોચની ગુપ્તચર સંસ્થા 'સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી' (CIA) ના નકલી એજન્ટ બનીને ઇન્ડોનેશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે ઉચ્ચ સ્તરીય સંબંધો કેળવ્યા હતા. 'ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ' (OCCRP) ના અહેવાલ અને કેલિફોર્નિયા કોર્ટમાં દાખલ થયેલા મુકદ્દમા અનુસાર, શ્રીવાસ્તવે આ નકલી ઓળખનો ઉપયોગ કરીને ફાઇટર જેટ અને આધુનિક લશ્કરી સાધનોના અબજો ડોલરના સંરક્ષણ સોદાઓ પડાવવાનો માસ્ટરપ્લાન ઘડ્યો હતો.

અદાલતી દસ્તાવેજો અનુસાર, ગૌરવ શ્રીવાસ્તવે વર્ષ ૨૦૨૦ માં તત્કાલીન સંરક્ષણ પ્રધાન પ્રબોવો સુબિયાન્ટો સાથે વોશિંગ્ટન અને જકાર્તામાં હાઈ-પ્રોફાઈલ બેઠકો કરી હતી. આ દરમિયાન તેમણે અબજો ડોલરના લશ્કરી સાધનો ખરીદવાના હેતુથી પાંચ પ્રારંભિક સંરક્ષણ કરારો અને 'લેટર ઓફ ઇન્ટેન્ટ' મેળવી લીધા હતા. આ પ્રસ્તાવિત કરારોમાં ૩૬ કિંમતી F-15 ફાઇટર જેટ, UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર અને C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની સપ્લાય સામેલ હતી. જોકે, પાછળથી તપાસમાં ખુલાસો થયો હતો કે જે ચાર કંપનીઓના નામે આ કરાર થયા હતા તે તમામ કોઈ પણ અનુભવ વગરની માત્ર કાગળ પર ચાલતી "શેલ કંપનીઓ" હતી અને ટેક્સ ન ચૂકવવા બદલ તેમની નોંધણી પણ રદ થઈ ચૂકી હતી.

આ આંતરરાષ્ટ્રીય કૌભાંડનો વળાંક ત્યારે વધુ રસપ્રદ બન્યો જ્યારે શ્રીવાસ્તવે રાષ્ટ્રપતિ પ્રબોવોના અબજોપતિ ભાઈ અને અરસારી ગ્રુપના ચેરમેન હાશિમ જોજોહાદિકુસુમો સાથે પણ નિકટતા વધારી દીધી. તેમણે કથિત રીતે પોતાની કંપનીમાંથી અરસારી ગ્રુપને $૫૧ મિલિયનની લોન અપાવવાની વ્યવસ્થા પણ કરી હતી. શ્રીવાસ્તવના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર નીલ્સ ટ્રુસ્ટના જણાવ્યા મુજબ, તેઓ પણ આ નકલી CIA એજન્ટના પ્રભાવમાં આવી ગયા હતા અને પોતાની કંપનીનો ૫૦ ટકા હિસ્સો શ્રીવાસ્તવના નામે ટ્રાન્સફર કરી દીધો હતો. જોકે, આ ભાંડો ફૂટ્યા બાદ ઇન્ડોનેશિયા સરકારે આ કરારો હેઠળ કોઈ ખરીદી કરી નથી અને આરોપી ગૌરવ શ્રીવાસ્તવે પોતાના પર લાગેલા આ તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા છે.

(7:30 PM IST)