તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
દક્ષિણ ભારતીય રાજકારણમાં ધમાકો: થલાપતિ વિજયની પાર્ટી 'ટીવીકે'ને બે મંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન; ડીએમકે અને એઆઈએડીએમકેને પણ મળ્યું મસમોટું ફંડ
ચૂંટણી પંચના ડેટામાં ખુલાસો; રમતગમત અને જાહેર બાંધકામ મંત્રી આધવ અર્જુન તેમજ આરવી રંજીત કુમારે TVK ના કુલ દાનમાં આપ્યો ૯૯ ટકાથી વધુ હિસ્સો

ચેન્નઈ : તમિલનાડુના રાજકારણમાં સુપરસ્ટાર થલાપતિ વિજય દ્વારા સ્થાપિત નવી રાજકીય પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) ને લઈને એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના ડેટા અનુસાર, ટીવીકેને મળેલા કુલ ૧૩.૩ કરોડ રૂપિયાના દાનમાંથી આશ્ચર્યજનક રીતે ૯૯ ટકા જેટલી રકમ માત્ર બે જ મંત્રીઓ તરફથી આવી છે. આ ખુલાસા બાદ રાજ્યના રાજકીય ગલિયારામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ચૂંટણી પંચના આંકડા મુજબ, ટીવીકેના કુલ દાનમાં ૬૦ ટકાથી વધુનું યોગદાન આપીને રમતગમત અને જાહેર બાંધકામ મંત્રી આધવ અર્જુન સૌથી મોટા દાતા બન્યા છે, જેમણે પાર્ટીને રૂ. ૮.૨ કરોડનું માતબર દાન આપ્યું છે. આ ઉપરાંત, મંત્રી આરવી રંજીત કુમારે પણ પાર્ટીને રૂ. ૫ કરોડનું દાન આપ્યું છે. આમ, આ બંને મંત્રીઓએ મળીને ટીવીકેને કુલ રૂ. ૧૩.૨ કરોડનું ભંડોળ પૂરું પાડ્યું છે. આ બે મંત્રીઓ ઉપરાંત, થુથુકુડીની 'સ્નો શો' અને 'સ્નો એક્સપોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ્સ' નામની સંસ્થાઓએ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા બબ્બે લાખ એટલે કે કુલ રૂ. ૧૦ લાખનું યોગદાન આપ્યું હતું.
બીજી તરફ, તમિલનાડુના અન્ય મુખ્ય રાજકીય પક્ષોને મળેલા દાનના આંકડા પણ સામે આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી AIADMK ને કુલ આશરે રૂ. ૧૬૧.૩૫ કરોડનું સ્વૈચ્છિક યોગદાન મળ્યું છે, જેમાં 'ટાઇગર એસોસિએટ્સ' નામની કંપની તરફથી સૌથી વધુ રૂ. ૧૩૫ કરોડ આપવામાં આવ્યા છે. જ્યારે સત્તાધારી પક્ષ DMK ને આશરે રૂ. ૧૯૧.૧૯ કરોડનું દાન પ્રાપ્ત થયું છે, અને આશ્ચર્યની વાત એ છે કે ડીએમકેને પણ ટાઇગર એસોસિએટ્સ કંપની દ્વારા જ સૌથી વધુ રૂ. ૧૨૫ કરોડનું ફંડ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, કોલકાતા સ્થિત લોટરી કંપની 'ટાઇગર એસોસિએટ્સ' જાણીતા લોટરી ઉદ્યોગપતિ સેન્ટિયાગો માર્ટિન સાથે સંકળાયેલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ ચૂંટણી બોન્ડ યોજના હેઠળ પણ આ માર્ટિનની કંપનીએ ડીએમકેને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડ રદ કરવામાં આવ્યા બાદ હવે સ્વૈચ્છિક દાન અને ફંડિંગના આ નવા આંકડાઓએ તમિલનાડુના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને વિરોધી પક્ષો આ મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
