<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

રિયલ એસ્ટેટ માર્કેટમાં ધમાકો: વિદેશી રોકાણકારો માટે ઓમાને રહેઠાણના નિયમો કર્યા હળવા, પ્રાયોજક (સ્પોન્સર) વિના જ મળશે ‘માલિક વિઝા’!

ગલ્ફ દેશોમાં પ્રોપર્ટી ખરીદનારા ભારતીયો માટે ગોલ્ડન તક; હવે વયમર્યાદાના કોઈ નિયમો વિના આખા પરિવારને લાવી શકાશે ઓમાન, મિલકત વેચતાં જ વિઝા થઈ જશે રદ

મસ્ક : ખાડી દેશો (GCC) માં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું રોકાણ આકર્ષવા અને આર્થિક સમૃદ્ધિ વધારવાના આશય સાથે ઓમાન સરકારે તેના વિઝા અને રહેઠાણ (રેસિડેન્સી) કાયદામાં ખૂબ જ ક્રાંતિકારી સુધારા જાહેર કર્યા છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, રોયલ ઓમાન પોલીસ દ્વારા જારી કરાયેલા આ નવા નિયમો હેઠળ હવે વિદેશી રોકાણકારો અને મિલકત ખરીદનારાઓ કોઈપણ સ્થાનિક પ્રાયોજક (સ્પોન્સરશિપ) ની જરૂરિયાત વિના જ ઓમાનમાં કાયદેસરનું રહેઠાણ મેળવી શકશે. ઓમાન સરકારે આ ખાસ સુવિધાને "માલિક વિઝા" (Owners Visa) નામ આપ્યું છે, જેના કારણે પ્રોપર્ટી ખરીદનારા ભારતીયો સહિતના વૈશ્વિક રોકાણકારો માટે વિઝા પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ છે.

આ નવા કાયદાકીય સુધારા મુજબ, ઓમાનમાં રહેણાંક એકમો એટલે કે ફ્લેટ, વિલા કે કોઈ જમીનના વિદેશી માલિકો અથવા મિલકત ધરાવતી કંપનીઓના સત્તાવાર પ્રતિનિધિઓ સીધા જ આ વિઝા માટે અરજી કરી શકશે. જોકે, આ વિઝા મેળવ્યા બાદ પ્રવાસીઓએ ત્રણ મહિનાની અંદર ઓમાનમાં પ્રવેશ કરવો ફરજિયાત રહેશે. ઓમાન સરકારના સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયેલી માહિતી અનુસાર, આ સુધારાનો મુખ્ય હેતુ દેશના રિયલ એસ્ટેટ માર્કેટમાં વધુમાં વધુ વિદેશી ભાગીદારી આકર્ષવાનો અને રોકાણકારોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે.

પરિવારને સ્પોન્સર કરવાની પાત્રતાનો વ્યાપક વિસ્તાર

નવા નિયમોની સૌથી મોટી અને આકર્ષક બાબત એ છે કે તેનાથી વિદેશી નાગરિકો માટે પોતાના પરિવારના સભ્યોને ઓમાન લાવવાનું ખૂબ જ આસાન બની ગયું છે. હવે જીસીસી (GCC) ના નાગરિકો, માન્યતા પ્રાપ્ત વિદેશી રોકાણકારો, પ્રોપર્ટીના માલિકો અને સરકારી સંસ્થાઓમાં નોકરી કરતા વિદેશી કર્મચારીઓ પોતાના આશ્રિતો (માતા-પિતા, પત્ની કે બાળકો) ને ફેમિલી વિઝા પર ઓમાન બોલાવી શકશે. રોકાણકારો અને મિલકત માલિકોના પરિવારજનોને વિઝા માટે નડતી કેટલીક વય-સંબંધિત (Age-limit) કડક શરતોમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે, જેથી આખો પરિવાર એકસાથે રહી શકશે.

મિલકત વેચતાં જ ફેમિલી વિઝા આપમેળે થઈ જશે રદ

ઓમાન પ્રશાસને આ સુગમતા સાથે સુરક્ષા અને કાયદાકીય મર્યાદાઓનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. નવા માળખા હેઠળ રહેઠાણનો દરજ્જો (વિઝા) સીધો જ મિલકતની માલિકી સાથે જોડાયેલો રહેશે. આનો અર્થ એ થાય કે જો કોઈ વિદેશી મિલકત માલિક પોતાની પ્રોપર્ટી કોઈ અન્ય વ્યક્તિને વેચી દે છે અથવા કોઈપણ કાનૂની વ્યવહાર દ્વારા માલિકી ટ્રાન્સફર કરે છે, તો તેને મળેલી રહેઠાણ પરમિટ અને તેના આધારે તેના પરિવારના સભ્યોને આપવામાં આવેલા તમામ વિઝા આપમેળે અને તાત્કાલિક અસરથી સમાપ્ત (રદ) થઈ જશે. સક્ષમ અધિકારીઓની મંજૂરીને આધીન હાલમાં નોંધાયેલી અને કેટલીક બિન-નોંધાયેલી મિલકતો પર પણ આ આધુનિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

(7:11 PM IST)