<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

કતારના ગેસ પ્‍લાન્‍ટમાં વિસ્‍ફોટથી અફડાતફડી : ૫૪ને ઇજા : ૧૮ લાપતા

ઈરાની બોમ્‍બમારા અને નાકાબંધી બાદ પ્‍લાન્‍ટની કામગીરી ફરી શરૂ કરતી વખતે દુર્ઘટના બની

દોહા, તા.૨૨: વિશ્વના સૌથી મોટા ઉર્જા કેન્‍દ્રોમાંના એક એવા કતારના રાસ લાફાન ઔદ્યોગિક વિસ્‍તારમાં આવેલો બાર્ઝાન ગેસ સપ્‍લાય પ્‍લાન્‍ટ રવિવારે મધરાતે અચાનક એક ભયાનક અને કાળમુખા વિસ્‍ફોટથી ધણધણી ઉઠ્‍યો હતો. વિસ્‍ફોટ એટલો શક્‍તિશાળી હતો કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આખો પ્‍લાન્‍ટ આગની પ્રચંડ જ્‍વાળાઓમાં ઘેરાઈ ગયો હતો. આ ગમખ્‍વાર અકસ્‍માતને પગલે ફેક્‍ટરી પરિસરમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. કતારના ગળહ મંત્રાલયના સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ ભયાનક દુર્ઘટનામાં અત્‍યાર સુધીમાં ૫૪ જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં તેઓને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા છે, જ્‍યારે ૧૮થી વધુ શ્રમિકો હજુ પણ આગની ઝાળ અને કાટમાળ વચ્‍ચે ગુમ હોવાથી તેમના પરિવારોમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

યુદ્ધની વિષમ પરિસ્‍થિતિઓ વચ્‍ચે આ પ્‍લાન્‍ટમાં કામગીરી પુનઃ શરૂ કરવાની મથામણ ચાલી રહી હતી ત્‍યારે જ આ કાળચક્ર ફર્યું હતું. તાજેતરમાં ઈરાની બોમ્‍બમારા અને વ્‍યૂહાત્‍મક રીતે મહત્‍વના ગણાતા હોર્મુઝ સ્‍ટ્રેટ (સમુદ્રધૂની) ની નાકાબંધીના કારણે કતારને પોતાનું વૈશ્વિક ગેસ ઉત્‍પાદન સદંતર બંધ રાખવાની ફરજ પડી હતી, જેના લીધે આંતરરાષ્‍ટ્રીય બજારમાં ગેસનો પુરવઠો ઠપ થઈ ગયો હતો. જો કે, યુદ્ધના કાયમી અંત લાવવા માટે ચાલી રહેલી વૈશ્વિક શાંતિ વાટાઘાટો સકારાત્‍મક દિશામાં આગળ વધતાં ઈરાને હોર્મુઝ સ્‍ટ્રેટ પરથી પોતાની કડક નાકાબંધીમાં થોડી ઢીલ આપી હતી. આ રાહતના સમાચાર મળતા જ સરકારી માલિકીની કંપની ‘કતાર એનર્જી'ના એન્‍જિનિયરો અને સેંકડો કામદારો રવિવારે રાત્રે આ નિકાસ ટર્મિનલને ફરીથી ધમધમતું કરવાના ભગીરથ પ્રયાસોમાં જોતરાયા હતા, અને બરાબર એ જ ઘડીએ આ કાળચક્ર ત્રાટકયું હતું.

આ ભયાનક બ્‍લાસ્‍ટના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં પણ મોટો ભૂકંપ આવે તેવી પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે, કારણ કે કતાર દુનિયાભરમાં કુદરતી ગેસ (LNG) નો સૌથી મોટો સપ્‍લાયર દેશ છે. શરૂઆતના કલાકોમાં વહીવટી તંત્ર અને સ્‍થાનિક સત્તાવાળાઓ દ્વારા માત્ર સામાન્‍ય ઈજાઓ થઈ હોવાનો દાવો કરીને ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ મોડી રાત્રે કતારના ગળહ મંત્રાલયે સત્તાવાર આંકડા જાહેર કરતા સમગ્ર વિશ્વ ચોંકી ઉઠ્‍યું હતું. પ્‍લાન્‍ટને કેટલું આર્થિક અને માળખાકીય નુકસાન થયું છે તેનો ચોક્કસ અંદાજ હજુ લગાવી શકાયો નથી, પરંતુ આ અકસ્‍માતને કારણે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ગેસની અછત વર્તાય અને ભાવો આસમાને પહોંચે તેવી ભીતિ વચ્‍ચે હાલ ઘટનાસ્‍થળે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

 

 

(12:05 PM IST)