તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
ઢાકા છોડ્યાના બરાબર બે વર્ષ બાદ શેખ હસીના ભારતમાં મૌન તોડશે: ૫ ઓગસ્ટે દિલ્હીથી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધશે, બાંગ્લાદેશ વાપસી માટે કરી શકે છે મોટો ખુલાસો
૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ જનરલ-ઝેડ આંદોલનને કારણે હસીનાએ દેશ છોડવો પડ્યો હતો: નવી દિલ્હીમાં ફોરેન કોરસપોન્ડન્ટ્સ ક્લબથી ઓનલાઈન સંબોધન કરી બાંગ્લાદેશ પરત ફરવાનો રોડમેપ રજૂ કરશે.

નવી દિલ્હી — તા.૦૩ બાંગ્લાદેશમાં હિંસક વિદ્યાર્થી અને યુવા આંદોલનને કારણે ૫ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ સત્તા અને દેશ છોડીને ભારત પહોંચેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના બરાબર બે વર્ષ બાદ પોતાનું મૌન તોડવા જઈ રહ્યા છે. આગામી ૫ ઓગસ્ટે તેઓ પહેલીવાર મીડિયા સમક્ષ આવીને દિલ્હીથી એક ઓનલાઈન કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે અને બાંગ્લાદેશ પરત ફરવા અંગેનો સંપૂર્ણ રોડમેપ જાહેર કરશે.
આ કાર્યક્રમ નવી દિલ્હીના મથુરા રોડ સ્થિત 'સર માર્ક ટુલી ઓડિટોરિયમ' ખાતે 'ફોરેન કોરસપોન્ડન્ટ્સ ક્લબ ઓફ સાઉથ એશિયા' (FCC સાઉથ એશિયા) દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. સાંજે ૬:૦૦ થી ૭:૩૦ વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમમાં શેખ હસીના સાથે તેમના પુત્ર સજીબ વાઝેદ જોય અને પૂર્વ શિક્ષણ મંત્રી મોહિબુલ હસન ચૌધરી સહિત આવામી લીગના અગ્રણી નેતાઓ પણ જોડાશે. હસીનાએ તાજેતરમાં જ સંકેત આપ્યા હતા કે તેઓ પરિણામોની ચિંતા કર્યા વિના પોતાના દેશ અને લોકો પાસે પરત ફરવા આતુર છે.
૫ ઓગસ્ટની તારીખ પસંદ કરવા પાછળ એક મોટો રાજકીય સંકેત છે. બરાબર બે વર્ષ પહેલાં આ જ દિવસે પ્રદર્શનકારીઓ પીએમ આવાસમાં ઘૂસી જતાં હસીનાએ રાજીનામું આપીને બહેન શેખ રેહાના સાથે લશ્કરી વિમાનમાં ભારત શરણ લીધી હતી. ત્યારથી તેઓ દિલ્હીના સુરક્ષિત આવાસમાં રહી રહ્યા છે. હવે બે વર્ષનું વર્તુળ પૂરું થતાં તેઓ ફરીથી સક્રિય રાજકારણમાં દેખાવાના એંધાણ આપી રહ્યા છે.
હસીનાનું આ જાહેર સંબોધન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આવતા મહિને બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન બ્રિક્સ (BRICS) સમિટ માટે ભારત આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક (BIMSTEC) ના અધ્યક્ષ તરીકે તારિક રહેમાનને ખાસ આમંત્રણ પાઠવ્યું છે. બાંગ્લાદેશની નવી સરકાર સતત હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે ત્યારે દિલ્હીથી જ હસીનાનું આ સંબોધન ઢાકા માટે અસ્વસ્થતા ઊભી કરી શકે છે, જેનાથી ભારત-બાંગ્લાદેશના સુધરતા કૂટનીતિક સંબંધો પર શું અસર પડશે તે જોવું મહત્વનું રહેશે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
