તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
તમિલનાડુમાં 'રિસોર્ટ પોલિટિક્સ'ના એંધાણ : એક્ઝિટ પોલના આંકડાથી ગદગદ વિજયે ટીવીકેના સંભવિત વિજેતા ઉમેદવારોને એકઠા થવા આદેશ આપ્યો
પક્ષમાં તોડફોડના ડરથી વિજયે તમામ ધારાસભ્યોને પણૈયૂર હેડક્વાર્ટર રિપોર્ટ કરવા સૂચના આપી : ચાણક્ય અને એક્સિસ માય ઈન્ડિયાના પોલમાં TVK કિંગમેકર બનવાની આગાહી

ચેન્નાઈ:તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ રાજ્યમાં 'રિસોર્ટ પોલિટિક્સ'ની ગરમાગરમી શરૂ થઈ ગઈ છે. સુપરસ્ટારમાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી 'તમિલગા વેટ્ટરી કઝગમ' (TVK) માટે એક્ઝિટ પોલમાં શાનદાર પ્રદર્શનની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં વિરોધી પક્ષો દ્વારા ધારાસભ્યોના ખરીદ-વેચાણ (Poaching) ના ડરથી વિજયે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે.
ચૂંટણી પરિણામો બાદ પણૈયૂર ખાતે જમાવડો
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિણામો જાહેર થયા બાદ તરત જ તમામ વિજેતા ઉમેદવારોને પક્ષના પણૈયૂર સ્થિત મુખ્ય મથકે હાજર થવા સૂચના આપવામાં આવી છે. જો જરૂર પડશે તો તમામ ધારાસભ્યોને કોઈ સુરક્ષિત સ્થળે અથવા રિસોર્ટમાં ખસેડવામાં આવી શકે છે. અગાઉ એડપ્પડી વિસ્તારના એક TVK ઉમેદવાર થોડા સમય માટે ગુમ થયા હોવાની ઘટના બાદ પક્ષ હાઈ-એલર્ટ પર છે.
એક્ઝિટ પોલમાં TVKનો દબદબો
વિવિધ એક્ઝિટ પોલના આંકડા મુજબ વિજયની પાર્ટી તમિલનાડુના વર્ષો જૂના દ્રવિડિયન રાજકારણના સમીકરણો બદલી શકે છે:
ટુડેઝ ચાણક્ય: TVK ને ૩૦ ટકા વોટ શેર સાથે અંદાજે ૬૩ બેઠકો મળવાની સંભાવના છે.
એક્સિસ માય ઈન્ડિયા: આ પોલ મુજબ વિજયની પાર્ટી ૯૮ થી ૧૨૦ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી શકે છે. જે ૧૧૭ ના બહુમતી આંકની અત્યંત નજીક છે.
યુવા મતદારો અને પરિવર્તનની લહેર
સર્વેક્ષણો મુજબ, વિજયને ખાસ કરીને યુવા મતદારો, બેરોજગારો અને પછાત વર્ગોનું વ્યાપક સમર્થન મળ્યું છે. 'પરિવર્તન'ના એજન્ડા સાથે મેદાનમાં ઉતરેલા વિજયની લોકપ્રિયતા હવે વર્તમાન મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની સમકક્ષ જોવા મળી રહી છે. જો એક્ઝિટ પોલ સાચા સાબિત થાય તો વિજય માત્ર 'કિંગમેકર' જ નહીં પરંતુ સરકાર બનાવવાની સ્થિતિમાં પણ આવી શકે છે.
આ સંજોગોમાં પરિણામો બાદની રાજકીય ખેંચતાણને પહોંચી વળવા માટે TVK દ્વારા અત્યારથી જ વ્યૂહાત્મક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરેક બેઠક કિંમતી હોવાથી વિજય પોતાના સૈનિકોને સાચવી રાખવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
