<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

અમેરિકાના દરેક બાળકને મળશે SpaceXના ૨ શેર

વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિ મસ્‍કની અનોખી પહેલ! : ટ્રમ્‍પ એકાઉન્‍ટ્‍સ યોજના હેઠળ દરેક સક્રિય ખાતામાં સ્‍પેસએક્‍સ એક શેર આપશે અને મસ્‍ક પણ પોતાની તરફથી એક શેર આપશેઃ કંપનીના શેર ડિસેમ્‍બર ૨૦૨૬માં જ્‍યારે મસ્‍કના વ્‍યક્‍તિગત શેર જૂન ૨૦૨૭માં ટ્રાન્‍સફર કરવાની યોજના છે

 

ન્‍યુયોર્કઃતા.૨૭: વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ એલોન મસ્‍કે અમેરિકાના બાળકો માટે એક અનોખી ભેટની જાહેરાત કરી છે. સ્‍પેસએક્‍સના સીઈઓએ જણાવ્‍યું છે કે અમેરિકાના દરેક બાળકને કંપનીના બે શેર મળશે. આ બે શેરમાંથી એક શેર સ્‍પેસએક્‍સ આપશે, જ્‍યારે બીજો શેર મસ્‍ક પોતાની વ્‍યક્‍તિગત માલિકીમાંથી ભેટ આપશે. આ જાહેરાતથી અમેરિકાના લાખો બાળકોને વિશ્વની અગ્રણી અંતરિક્ષ કંપનીમાં હિસ્‍સેદારી મળવાની શક્‍યતા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ‘ટ્રમ્‍પ એકાઉન્‍ટ્‍સ' યોજના હેઠળ સ્‍પેસએક્‍સે આ પહેલની જાહેરાત કરી છે. કંપનીએ ૨૫ નવેમ્‍બર ૨૦૨૬ના રોજ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્‍યું છે કે દરેક સક્રિય ટ્રમ્‍પ એકાઉન્‍ટમાં તેના ક્‍લાસ-ખ્‍ કોમન સ્‍ટોકનો એક નવો શેર જમા કરવામાં આવશે. મસ્‍ક પણ કંપની દ્વારા આપવામાં આવનારા શેર જેટલા જ શેર પોતાની તરફથી આપશે. આ રીતે દરેક પાત્ર બાળકને બે શેર મળવાની યોજના છે.

સ્‍પેસએક્‍સના જણાવ્‍યા અનુસાર કંપની તરફથી આપવામાં આવનારા શેર આગામી મહિને એટલે કે ડિસેમ્‍બર ૨૦૨૬માં ટ્રાન્‍સફર કરવામાં આવશે. બીજી તરફ, મસ્‍કે સ્‍પષ્ટ કર્યું છે કે તેમના વ્‍યક્‍તિગત શેર જૂન ૨૦૨૭માં તેમનો શેર લોક-અપ સમયગાળો પૂર્ણ થયા બાદ ટ્રાન્‍સફર કરવામાં આવશે. જોકે, મસ્‍કના વ્‍યક્‍તિગત શેરનું વિતરણ પણ ટ્રમ્‍પ એકાઉન્‍ટ મારફતે જ થશે કે કેમ તે અંગે હજુ સ્‍પષ્ટતા કરવામાં આવી નથી.

ટ્રમ્‍પ એકાઉન્‍ટ્‍સ અમેરિકામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે બનાવવામાં આવેલી ટેક્‍સ-લાભદાયક રોકાણ ખાતાની યોજના છે. તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય બાળકોને નાની ઉંમરથી બચત અને રોકાણ સાથે જોડવાનો તથા તેમને લાંબા ગાળે આર્થિક સુરક્ષા આપવાનો છે. આ યોજના દ્વારા બાળકોને શેરબજારમાં રોકાણનો લાભ મેળવવાની તક પણ મળી શકે છે.

સ્‍પેસએક્‍સનાં પ્રમુખ અને ચીફ ઓપરેટિગ ઓફિસર ગ્‍વિન શોટવેલે પણ આગામી પેઢી માટે મોટી ભેટ જાહેર કરી છે. તેમણે વ્‍યક્‍તિગત રીતે ૨૦ લાખથી વધુ સ્‍પેસએક્‍સ શેર આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, રોઇટર્સના અહેવાલ મુજબ અમેરિકામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં અંદાજે ૭.૨ કરોડ બાળકો છે. બુધવારના શેરના બંધ ભાવ પ્રમાણે મસ્‍કની આ શેર ભેટનું કુલ મૂલ્‍ય આશરે ૧૮ અબજ ડોલર થાય છે.

(11:59 AM IST)