<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

દર ૩ મિનિટે એક મહિલા મદદ માટે કરે છે કોલઃ ૫ વર્ષમાં ૯.૫૫ લાખ ફરિયાદો

ઘરની ચાર દીવાલો પાછળ મહિલાઓ સાથે થતી હિંસાના કિસ્‍સાઓ સતત સામે આવી રહ્યા છેઃ ગુજરાતમાં ઘરેલુ હિસાનો ચોંકાવનારો આંકડોઃ દરરોજ સરેરાશ ૫૯૫ કોલ્‍સ

નવી દિલ્‍હી તા.૨૫: મહિલાઓની સુરક્ષા અને સન્‍માનની વાતો વચ્‍ચે ગુજરાતમાં ઘરેલુ હિસાની સ્‍થિતિ ચિતાજનક બની રહી છે. ઘરની ચાર દીવાલો પાછળ મહિલાઓ સાથે થતી હિસાના કિસ્‍સાઓ સતત સામે આવી રહ્યા છે. રાજ્‍યમાં મહિલાઓ માટે કાર્યરત અભયમ્‌ હેલ્‍પલાઇનના આંકડા આ સમસ્‍યાની ગંભીરતા દર્શાવે છે. છેલ્‍લા ૫ વર્ષમાં હેલ્‍પલાઇન પર ૯.૫૫ લાખથી વધુ કોલ્‍સ નોંધાયા છે, જેમાં આશરે ૪૦ ટકા કોલ્‍સ ઘરેલુ હિસા સંબંધિત છે.

દર વર્ષે ૨૫ નવેમ્‍બરે વિશ્વભરમાં મહિલા સામે હિસા નિવારણ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્‍ય ઉદ્દેશ મહિલાઓ સામે થતી હિસા અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે.

ગુજરાતમાં અભયમ્‌ હેલ્‍પલાઇન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૨૬માં અત્‍યારસુધીમાં ૧,૬૮,૦૪૧ કોલ્‍સ નોંધાયા છે. જ્‍યારે વર્ષ ૨૦૨૪ દરમિયાન આ આંકડો ૨,૧૭,૨૨૮ હતો. એટલે કે મહિલાઓને મદદની જરૂરિયાત કેટલી વ્‍યાપક છે તેનો અંદાજ આ આંકડાઓ પરથી લગાવી શકાય છે.

છેલ્‍લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન અભયમ્‌ હેલ્‍પલાઇન પર કુલ ૯,૫૫,૨૬૦ કોલ્‍સ આવ્‍યા છે. આ તમામ કોલ્‍સમાંથી અંદાજે ૪૦ ટકા ઘરેલુ હિસા સાથે જોડાયેલા હોવાનું સામે આવ્‍યું છે. આ પ્રમાણ દર્શાવે છે કે મહિલાઓ માટે ઘર પણ ઘણી વખત અસુરક્ષિત બની રહ્યું છે.

પાંચ વર્ષમાં અભયમ્‌ હેલ્‍પલાઇન પર નોંધાયેલા કોલ્‍સ

વર્ષ         કોલ્‍સની સંખ્‍યા

૨૦૨૧      ૧,૬૫,૯૬૪

૨૦૨૨      ૧,૮૫,૭૪૬

૨૦૨૩      ૨,૧૮,૨૮૧

૨૦૨૪      ૨,૧૭,૨૨૮

૨૦૨૫      ૧,૬૮,૦૪૧

કુલ         ૯,૫૫,૨૬૦

જિલ્‍લાવાર આંકડાઓનું વિશ્‍લેષણ કરતાં અમદાવાદમાં મહિલાઓ સામે હિસાના સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્‍યું છે. સુરત બીજા અને રાજકોટ ત્રીજા ક્રમે છે. આ આંકડા શહેરી વિસ્‍તારોમાં પણ મહિલાઓની સુરક્ષા સામે ઊભા થયેલા પડકારો તરફ ધ્‍યાન દોરે છે.

વર્ષ ૨૦૨૫માં મહિલાઓ સામે હિસાના સૌથી વધુ કેસ ધરાવતા જિલ્‍લા

જિલ્‍લો      કેસની સંખ્‍યા

અમદાવાદ ૩૩,૮૬૮

સુરત               ૧૨,૪૧૪

રાજકોટ     ૧૧,૭૮૧

વડોદરા     ૧૧,૩૦૮

ભાવનગર  ૬,૧૮૦

અમદાવાદમાં નોંધાયેલા કેસ અન્‍ય જિલ્‍લાઓની સરખામણીએ નોંધપાત્ર રીતે વધારે છે. જોકે, આ આંકડાઓ હેલ્‍પલાઇન પર નોંધાયેલી મદદની અરજીઓ દર્શાવે છે; વાસ્‍તવિક હિસાની ઘટનાઓનું પ્રમાણ આનાથી અલગ પણ હોઈ શકે છે.

ઘરેલુ હિંસા સામે મહિલાઓને કાનૂની સુરક્ષા આપવા માટે વર્ષ ૨૦૦૫માં ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ અમલમાં આવ્‍યો હતો. આ કાયદા હેઠળ માત્ર શારીરિક મારપીટ જ નહીં, પરંતુ માનસિક, મૌખિક, ભાવનાત્‍મક અને આર્થિક શોષણ જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.

નિષ્‍ણાતોના મતે, આ કાયદાની એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે હિસાની શરૂઆત કાયદો અમલમાં આવ્‍યો તે પહેલાં થઈ હોય તો પણ, કાયદાની જોગવાઈઓ અને લાગુ પડતી પરિસ્‍થિતિઓના આધારે મહિલાને રક્ષણ મળી શકે છે. આ કાયદો મહિલાઓને ઘરેલુ સંબંધોમાં થતા વિવિધ પ્રકારના શોષણ સામે કાનૂની ઉપાય પૂરા પાડે છે.

ઘરેલુ હિંસા માત્ર એક વ્‍યક્‍તિ કે પરિવારની સમસ્‍યા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર ચિતાનો વિષય છે. ઘણી મહિલાઓ સામાજિક દબાણ, આર્થિક નિર્ભરતા, પરિવારની પ્રતિષ્ઠા અને બાળકોના ભવિષ્‍યની ચિતાને કારણે હિસા સામે અવાજ ઉઠાવી શકતી નથી.

૨૫ નવેમ્‍બરના મહિલા સામે હિસા નિવારણ દિવસ નિમિત્તે માત્ર જાગૃતિ કાર્યક્રમો યોજવા પૂરતું નથી. મહિલાઓને તેમના અધિકારોની જાણકારી, સમયસર કાનૂની સહાય અને સુરક્ષિત વાતાવરણ મળે તે પણ એટલું જ જરૂરી છે. ઘરેલુ હિંસાને પારિવારિક બાબત ગણીને અવગણવાને બદલે તેનો સામાજિક અને કાનૂની સ્‍તરે સામનો કરવો સમયની માંગ છે

(4:43 PM IST)