<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

દિલ્હીમાં 'સૌથી નાનો કોકરોચ' પણ પોલીસની પકડમાં: RAF જવાને દોડીને પકડી ખોળામાં ઊંચકતો વીડિયો વાયરલ

10 ઓક્ટોબરના આંદોલનમાં નાનકડા કદના પ્રદર્શનકારીને પકડવાના રોચક દ્રશ્યો સોશિયલ મીડિયા પર બન્યા આકર્ષણનું કેન્દ્ર

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં 10 ઓક્ટોબરે 'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી વચ્ચે એક અનોખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. પ્રદર્શન દરમિયાન એક નાનકડા કદનો આંદોલનકારી સુરક્ષાકર્મીઓથી બચવા ઝડપથી દોડી રહ્યો હતો, જેને પકડવા રેપિડ એક્શન ફોર્સ (RAF) નો જવાન પાછળ દોડ્યો હતો. થોડી જ ક્ષણોમાં જ્વાને તેને પકડીને સ્મિત સાથે ખોળામાં ઊંચકી લીધો હતો અને ત્યારબાદ પોલીસના હવાલે કર્યો હતો.

આ વાયરલ વીડિયોએ આંદોલનની ગંભીર રાજકીય ક્ષણો વચ્ચે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 10 ઓક્ટોબરે યોજાયેલા આ પ્રદર્શન દરમિયાન હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા લોકોને પોલીસે બસો મારફતે અલગ-અલગ પોલીસ સ્ટેશનો અને સ્થળો પર ખસેડ્યા હતા, જ્યાં કેટલાક કલાકો સુધી અટકાયતમાં રાખ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો અને ખેંચતાણના દ્રશ્યો સામે આવ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર મારપીટ અને બળપ્રયોગ કરવાના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે, જોકે વહીવટી તંત્ર તરફથી આ આક્ષેપો અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી. આ તમામ ધાંધલ-ધમાલ વચ્ચે RAF જવાન દ્વારા નાનકડા પ્રદર્શનકારીને ઊંચકી જવાની આ હળવી ક્ષણ ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે.

દિલ્હીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન બાદ પોલીસે શાંતિ જાળવી રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખ્યો છે. અટકાયત કરાયેલા તમામ આંદોલનકારીઓને મુક્ત કરી દેવામાં આવ્યા હોવા છતાં વિરોધ પ્રદર્શનના આયોજકો અને પોલીસ વચ્ચેનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર દિલ્હી પોલીસ તથા સુરક્ષા દળો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

(2:22 PM IST)