<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

જો ભૂલથી પણ હુમલો કર્યો તો દુનિયાના નકશા પરથી નામ મિટાવી દઈશું!" આયાતુલ્લાહ ખામનેઈના અંતિમ સંસ્કાર પહેલા ઈરાનની અમેરિકા-ઈઝરાયલને મહાચેતવણી

તેહરાનથી મશહાદ સુધી ચાલનારા ૬ દિવસના શોક અને દફનવિધિ દરમિયાન પશ્ચિમી દેશોના સંભવિત સૈન્ય એટેકના ડર વચ્ચે ઇસ્લામિક ક્રાંતિકારી સેના એલર્ટ : વિદેશ મંત્રીએ ટ્રમ્પના નિવેદન પર કટાક્ષ કરી વાતાવરણ ગરમાવ્યું

 તેહરાન :  પશ્ચિમ એશિયા માં ફરી એકવાર યુદ્ધના ભયાનક વાદળો ઘેરાયા છે, જ્યાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ સમગ્ર દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ૪ જુલાઈથી શરૂ થઈને ૯ જુલાઈ સુધી તેહરાન, કોમ અને ઇરાક થઈને તેમના વતન મશહાદ સુધી ચાલનારી આ મહા-અંતિમયાત્રા દરમિયાન અમેરિકા અને ઈઝરાયલ મોટો સૈન્ય હુમલો કરી શકે છે તેવો ડર ઈરાનને સતાવી રહ્યો છે. આ આશંકા વચ્ચે ઈરાની સત્તાવાળાઓ અને લશ્કરી કમાન્ડરોએ કોઈ પણ પ્રકારની ઢીલાશ ન રાખતા દુશ્મન દેશોને ખુલ્લી અને અત્યાર સુધીની સૌથી આક્રમક સૈન્ય ચેતવણી આપી દીધી છે કે જો અંતિમ સંસ્કાર દરમિયાન સહેજ પણ હિલચાલ થઈ, તો ઈરાનનો વળતો પ્રહાર વિનાશક અને ન ભૂતો ન ભવિષ્યતિ જેવો હશે.

ઈરાનની સૈન્ય શક્તિના કેન્દ્ર સમાન ‘ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર’ ના કમાન્ડર મેજર જનરલ અલી અબ્દુલ્લાહીએ સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર એક સનસનીખેજ નિવેદન જારી કરતા જણાવ્યું છે કે શનિવારથી શરૂ થતા રાષ્ટ્રીય શોકના આ સમયગાળા દરમિયાન ઈરાનના દુશ્મનોએ કોઈપણ પ્રકારની ગેરસમજમાં રહેવાની જરૂર નથી. તેમણે ગર્જના કરતા કહ્યું કે ઈરાની સેના અને રાષ્ટ્રના બહાદુર સપૂતો કોઈપણ ધમકી કે હવાઈ હુમલાનો જડબાતોડ અને પસ્તાવો કરવા મજબૂર કરી દે તેવો જવાબ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને હાઈ-એલર્ટ પર મૂકી દેવામાં આવી છે.

આ લશ્કરી ચેતવણી પૂર્વે ઈરાનના તેજાબી વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ અત્યંત કડક શબ્દોમાં પ્રહારો કર્યા હતા. અરાઘચીએ ઈસ્લામાબાદમાં થયેલા સમજૂતી પત્ર (MoU) નો હવાલો આપી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કર્યો હતો કે, ટ્રમ્પે તેલ અવીવમાં વચન આપ્યું હતું કે તેઓ પોતાના "પાલતુ પ્રાણીઓ" (ઈઝરાયલ) ને નિયંત્રણમાં રાખશે. વિદેશ મંત્રીએ આક્રોશપૂર્વક ઉમેર્યું કે જો આ પાલતુ પ્રાણીઓ તેમના "માલિક" ની આજ્ઞા તોડીને ઈરાનની સરહદ તરફ આંખ ઊંચી પણ કરશે, તો ઈરાન તેમને એવો પાઠ ભણાવશે જે ઇતિહાસમાં ક્યારેય ભુલશે નહીં. આ નિવેદનો બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

(8:55 PM IST)