<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

સિગારેટના પેકેટ પરની ભયાનક તસવીરો પણ નથી કરી શકતી અસર: તમાકુનું વ્યસન કરી લે છે તમારા મગજને 'હેક'

વિશ્વ તમાકુ નિષેધ દિવસ વિશેષ: શું તમે જાણો છો કે તમારી આદત કેમ નબળી ઇચ્છાશક્તિનો વિષય નથી પણ એક ગંભીર શારીરિક-માનસિક જાળ છે?

(નવી દિલ્હી): દરેક સિગારેટના પેકેટ પર કેન્સરગ્રસ્ત ફેફસાં અને ગળાની ભયાનક તસવીરો છપાયેલી હોય છે, છતાં લાખો લોકો તેને ખરીદતા અચકાતા નથી. મૃત્યુનો ડર પણ આ વ્યસન સામે કેમ ફિક્કો પડી જાય છે? ઘણાને એમ લાગે છે કે ધૂમ્રપાન છોડવું એ માત્ર 'ઇચ્છાશક્તિ'નો અભાવ છે, પરંતુ સત્ય એ છે કે નિકોટિન તમારા મગજને એવી રીતે 'હેક' કરી લે છે કે તેમાંથી બહાર નીકળવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ બની જાય છે.

નિકોટિનની 'ડોપામાઇન' જાળ
અમૃતા હોસ્પિટલના ઓન્કોલોજી નિષ્ણાત ડૉ. સાફલા બાગમાર સમજાવે છે કે તમાકુમાં રહેલું નિકોટિન વિશ્વના સૌથી વધુ વ્યસનકારક રસાયણોમાંનું એક છે. જ્યારે તમે સિગારેટ પીઓ છો, ત્યારે નિકોટિન માત્ર થોડી જ સેકન્ડોમાં મગજ સુધી પહોંચે છે અને 'ડોપામાઇન' નામનું હોર્મોન મુક્ત કરે છે. આ હોર્મોન મગજને તત્કાલ ખુશી અને આરામની લાગણી આપે છે. ધીમે-ધીમે મગજ આ 'આર્ટિફિશિયલ ફીલ-ગુડ'નું આદિ બની જાય છે. જ્યારે શરીરમાં નિકોટિનનું સ્તર ઘટે છે, ત્યારે મગજ તે જ આનંદની શોધમાં ફરી સિગારેટ માટે તલપે છે.

'વિડ્રોલ સિન્ડ્રોમ'નો ખતરનાક સામનો
ઘણા લોકો ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરે છે, પણ થોડા જ કલાકોમાં તેમને ચીડિયાપણું, ગંભીર માથાનો દુખાવો, બેચેની અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીનો અનુભવ થાય છે. આને 'નિકોટિન વિડ્રોલ સિન્ડ્રોમ' કહેવામાં આવે છે. આ શારીરિક અને માનસિક અસ્વસ્થતા એટલી તીવ્ર હોય છે કે વ્યક્તિ તેનાથી બચવા માટે ફરીથી સિગારેટ તરફ વળે છે.

ભારતની આંકડાકીય વાસ્તવિકતા
'ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે' (GATS-2) ના આંકડા ચોંકાવનારા છે. ભારતમાં લગભગ 26.7 કરોડ લોકો કોઈને કોઈ સ્વરૂપે તમાકુના વ્યસની છે. ઘણા લોકો ખૈની કે ગુટખાને 'ધૂમ્રપાન વિનાના' હોવાથી સુરક્ષિત માને છે, જે તેમની સૌથી મોટી ભૂલ છે. આજના સમયમાં ખાસ કરીને યુવતીઓમાં સામાજિક દબાણ અને સ્ટ્રેસના કારણે સિગારેટનું સેવન વધ્યું છે, જે ભવિષ્યમાં ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

માર્કેટિંગની નવી ચાલબાજી
તમાકુ કંપનીઓ હવે યુવાનોને ફસાવવા માટે ફ્લેવર્ડ સિગારેટ, ઇ-સિગારેટ અને સ્ટાઇલિશ નિકોટિન પાઉચનો ઉપયોગ કરી રહી છે. આ ઉત્પાદનોને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે તે એક શાનદાર જીવનશૈલીનો હિસ્સો હોય, જેનાથી કિશોરો સરળતાથી તેના શિકાર બની જાય છે.

વ્યસન મુક્તિનો માર્ગ
નિષ્ણાતોના મતે ધૂમ્રપાન છોડવા માટે માત્ર મન મક્કમ કરવું પૂરતું નથી, વૈજ્ઞાનિક અભિગમ જરૂરી છે:
•    નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી: નિકોટિન ગમ અથવા પેચ દ્વારા શરીરમાં નિકોટિનનું પ્રમાણ ધીમે-ધીમે ઘટાડી શકાય છે.
•    વર્તણૂકીય ઉપચાર: કાઉન્સેલિંગ દ્વારા તે ટ્રીગર્સને ઓળખો જે તમને ફરીથી ધૂમ્રપાન તરફ ધકેલે છે.
•    કૌટુંબિક સહયોગ: પરિવારનો પ્રેમ અને સમજણ આ મુશ્કેલ સમયમાં સૌથી મોટું પ્રોત્સાહન બની રહે છે.

(6:51 PM IST)