<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

મોંઘા કાજુમાં પણ ભેળસેળનો ખેલ! સડેલા ખાવાથી આરોગ્‍યને જોખમ

સડેલા અને જીવાત લાગેલા કાજુને સારી ગુણવત્તાના કાજુ સાથે ભેળવીને વેચવાના કિસ્‍સાઓ સામે આવ્‍યા : સામે આવ્‍યું મોટું કૌભાંડ : સડેલા કે જૂના કાજુને વધુ આકર્ષક દેખાડવા માટે તેની ઉપર તેલ અથવા અન્‍ય ચીકણા પદાર્થનું પડ લગાવવામાં આવે છે

નવી દિલ્‍હીઃ તા.૨૭: બજારમાંથી મોંઘા ભાવે કાજુ ખરીદીએ ત્‍યારે તેની ગુણવત્તા સારી જ હશે એવી સામાન્‍ય માન્‍યતા હોય છે. પરંતુ કાજુ જેવી મોંઘી ખાદ્ય વસ્‍તુમાં પણ ભેળસેળ અને છેતરપિડી થઈ શકે છે. જૂના, સડેલા અને જીવાત લાગેલા કાજુને સારી ગુણવત્તાના કાજુ સાથે ભેળવીને વેચવાના કિસ્‍સાઓ સામે આવ્‍યા છે. અમદાવાદમાં પણ થોડા મહિના પહેલાં આવી જ ગંભીર ગેરરીતિનો પર્દાફાશ થયો હતો, જ્‍યાંથી અંદાજે ૩,૦૦૦ કિલો સડેલા અને જીવાતવાળા કાજુનો જથ્‍થો પકડાયો હતો.

કાજુમાં થતી છેતરપિડીની એક રીતમાં જૂના, તૂટેલા અથવા જીવાત લાગેલા કાજુને સારા કાજુ સાથે ભેળવી દેવામાં આવે છે. ઘણી વખત પેકેટની ઉપર સારી ગુણવત્તાના કાજુ રાખવામાં આવે છે, જ્‍યારે અંદરના ભાગમાં હલકી ગુણવત્તાવાળા કાજુ ભરવામાં આવે છે. પરિણામે ગ્રાહકને પેકેટ ખોલ્‍યા પછી જ તેની વાસ્‍તવિક સ્‍થિતિનો ખ્‍યાલ આવે છે.

બીજી રીતમાં સડેલા કે જૂના કાજુને વધુ આકર્ષક દેખાડવા માટે તેની ઉપર તેલ અથવા અન્‍ય ચીકણા પદાર્થનું પડ લગાવવામાં આવે છે. આથી કાજુ ચમકદાર અને તાજા દેખાય છે, પરંતુ તેની અંદરની ગુણવત્તા ખરાબ હોઈ શકે છે. કેટલાક કિસ્‍સાઓમાં લોટ, સ્‍ટાર્ચ અને અન્‍ય સસ્‍તી સામગ્રીનો ઉપયોગ કરીને કાજુ જેવો આકાર બનાવવાની પણ વાત સામે આવી છે. ક્‍યાંક મગફળીના ટુકડાને આકાર આપીને કાજુ જેવો દેખાવ તૈયાર કરવામાં આવે છે. આવા ઉત્‍પાદનોને અસલી કાજુ સાથે ભેળવીને વેચવામાં આવે તો ગ્રાહક છેતરાઈ શકે છે. જોકે, બજારમાં મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિકના કાજુ વેચાય છે એવો કોઈ સામાન્‍ય નિષ્‍કર્ષ કાઢવો યોગ્‍ય નથી.

નફો વધારવાની લાલચમાં જો જૂના, બગડેલા અથવા જીવાતવાળા કાજુ વેચવામાં આવે તો તે ગ્રાહકોના સ્‍વાસ્‍થ્‍ય માટે જોખમી બની શકે છે. ભેજના કારણે આવા કાજુમાં ફૂગ વિકસવાની શક્‍યતા રહે છે. કેટલીક ફૂગ ઝેરી પદાર્થો ઉત્‍પન્ન કરી શકે છે, જે આરોગ્‍યને નુકસાન પહોંચાડી શકે છે. બગડેલા ખોરાકના સેવનથી પેટની તકલીફો પણ થઈ શકે છે. એટલે માત્ર કાજુનો ચમકદાર દેખાવ જોઈને તેની ગુણવત્તા નક્કી ન કરવી. ખરીદી કરતી વખતે પેકેટની સીલ, પેકિગની તારીખ, એક્‍સપાયરી અથવા બેસ્‍ટ બિફોર તારીખ અને ખાદ્ય સુરક્ષાને લગતી વિગતો તપાસવી જરૂરી છે.

અમદાવાદમાં પણ કાજુની ગુણવત્તા સાથે ચેડાં થવાનો કિસ્‍સો સામે આવ્‍યો હતો. થોડા મહિના પહેલાં અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે કઠવાડા GIDC વિસ્‍તારમાં આવેલા એક એસ્‍ટેટમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એક એકમમાં ગેરરીતિ મળી આવી હતી. તપાસ દરમિયાન અહીંથી અંદાજે ૩,૦૦૦ કિલો સડેલા અને જીવાત લાગેલા કાજુનો જથ્‍થો મળી આવ્‍યો હતો. અહેવાલો અનુસાર, આ એકમના સંચાલકો અન્‍ય રાજ્‍યોની ફેક્‍ટરીઓમાંથી રિજેક્‍ટ કરવામાં આવેલા સસ્‍તા કાજુ મંગાવતા હતા. ત્‍યારબાદ તેનું પ્રોસેસિગ કરીને તેને બજારમાં વેચવાની તૈયારી કરવામાં આવતી હતી. તપાસમાં કાજુની થેલીઓમાં મોટા પ્રમાણમાં જીવાત હોવાની પણ વિગતો સામે આવી હતી.

ખાદ્ય વસ્‍તુઓમાં ભેળસેળનો ખતરો ટાળવા માટે ગ્રાહકોએ ખરીદી વખતે થોડી વધુ કાળજી રાખવી જરૂરી છે. કાજુ મોંઘા હોય કે સસ્‍તા, તેની ગુણવત્તા અને સલામતી સાથે કોઈ સમાધાન ન કરવું જોઈએ.(૪૧.૧૦)

કાજુ ખરીદતી વખતે આ બાબતોનું ધ્‍યાન રાખો

કાજુના પેકેટનું સીલ અને પેકિગ બરાબર તપાસો. પેકેટ પર દર્શાવેલી ઉત્‍પાદન અને બેસ્‍ટ બિફોર તારીખ વાંચો. કાજુમાં અસામાન્‍ય ગંધ, ભેજ, ફૂગ કે જીવાત દેખાય તો તેનું સેવન ન કરો. ખુલ્‍લા કાજુ ખરીદતા હોવ તો સ્‍વચ્‍છ અને વિશ્વસનીય દુકાનમાંથી જ ખરીદો. ખૂબ જ સસ્‍તા ભાવે મળતા કાજુની ગુણવત્તા અંગે સાવચેત રહો.

(10:25 AM IST)