તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 5th September 2026
ચંદ્રીય અભિયાન અને વિજ્ઞાનના યુગમાં પણ નાત-જાતનું દૂષણ જીવંત, ગટર સફાઈ માટે નાગરિકોને અમાનવીય સ્થિતિમાં ધકેલતી પ્રથા સામે મુંબઈ વડી અદાલતની લાલ આંખ
માણસાઈને શરમાવે તેવી હાથથી કચરો અને ગટર સાફ કરવાની પ્રથા સામે મહારાષ્ટ્ર સરકારની નીતિ રદ કરતી બોમ્બે હાઈકોર્ટ, જોખમી કામગીરી દરમિયાન મૃત્યુ પામેલા સફાઈ કામદારોના પરિવારજનોને તાત્કાલિક ₹૩૦ લાખનું વળતર ચૂકવવા અને છ મહિનામાં તમામ મૃતકોની ઓળખ કરી કડક અમલીકરણ કરવા આદેશ આપ્યો

મુંબઈ:એક તરફ ભારત સ્પેસ ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રે નવી ઊંચાઈઓ આંબી રહ્યું છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ દેશમાં હજુ પણ માનવ ગરિમાને લજવતી અને ચોક્કસ જ્ઞાતિ સમુદાયને અમાનવીય કામો કરવા મજબૂર કરતી પ્રથા અસ્તિત્વમાં છે. હાથથી કચરો ઉઠાવવાની અને જોખમી રીતે ગટરો સાફ કરવાની આડકતરી પ્રથા (મેન્યુઅલ સ્કેવેન્જિંગ) અંગે મુંબઈ વડી અદાલતે (બોમ્બે હાઈકોર્ટ) મહારાષ્ટ્ર સરકારનો ભારેડોડોડો ઉધડો લીધો છે. જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજુષા દેશમુખની ખંડપીઠે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે બંધારણના ૭૫ વર્ષ પછી પણ દેશ જ્ઞાતિ વ્યવસ્થાના સામાજિક દૂષણમાંથી મુક્ત થયો નથી, જે અત્યંત ખેદજનક બાબત છે.
અદાલતે મહારાષ્ટ્ર સરકારના વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૫ના એ શાસન નિર્ણયો (GR)ની વિવાદિત જોગવાઈને રદબાતલ ઠેરવી દીધી છે, જેમાં ખાનગી મકાનો કે સોસાયટીઓમાં ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામેલા કામદારોના પરિવારોને વળતર આપવાની જવાબદારી રાજ્ય સરકારને બદલે ખાનગી માલિકો કે કોન્ટ્રાક્ટરો પર ઢોળી દેવામાં આવી હતી. હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે સફાઈ કામદાર સરકારી સંસ્થામાં કામ કરતો હોય કે ખાનગી કોન્ટ્રાક્ટર હેઠળ, તેને સમાન ન્યાય મળવો જોઈએ. અદાલતે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે સફાઈ દરમિયાન જીવ ગુમાવનારા કામદારોના આશ્રિતોને તાત્કાલિક ₹૩૦ લાખનું નિર્ધારિત વળતર રાજ્ય સરકારે પોતે ચૂકવવું અને ત્યારબાદ જરૂર જણાય તો તે રકમ સંબંધિત ખાનગી માલિકો કે સંસ્થાઓ પાસેથી વસૂલ કરવી.
આ ઉપરાંત, મુંબઈ વડી અદાલતે મહારાષ્ટ્ર સરકારને આગામી છ મહિનાની અંદર 'ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ, ૨૦૧૩' હેઠળ જોખમી સફાઈ કામગીરી દરમિયાન મૃત્યુ પામેલા તમામ સફાઈ કામદારોની યાદી અને ઓળખ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. 'શ્રમિક જનતા સંઘ' નામની ટ્રેડ યુનિયન સંસ્થા અને અન્ય પીડિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઉમેર્યું હતું કે સર્વોચ્ચ અદાલતના અનેક આદેશો અને કાયદાકીય પ્રતિબંધો હોવા છતાં, અમલદારીની અર્ધ-મનથી કરાતી કામગીરીને કારણે સફાઈ કામદારો અને તેમના પરિવારો હજુ પણ ન્યાય અને પુનર્વસનથી વંચિત રહ્યા છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
