<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશના એક વર્ષ બાદ પણ તપાસ ‘અધ્ધરતાલ’: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, ૨૭૯ નિર્દોષ જીવોના મોત પાછળનું સત્ય ક્યારે આવશે બહાર?

યુકેની AAIB એ ટેકનિકલ તપાસ કરવાની અક્ષમતા દર્શાવી: ૨૬૦ મુસાફરો અને ૧૯ નાગરિકોના કમકમાટીભર્યા મોત છતાં અંતિમ રિપોર્ટની રાહ, એન્જિનમાં ખામી હોવાની શંકા વચ્ચે પીડિત પરિવારો ન્યાય માટે વલખાં મારી રહ્યા છે

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરેલી એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટની ભયાનક દુર્ઘટનાને હવે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, પરંતુ આ ગોઝારી ઘટના પાછળના સાચા કારણો હજુ પણ રહસ્યના પડદા પાછળ છે. ૨૭૯ લોકોનો ભોગ લેનારી આ દુર્ઘટનામાં પીડિત પરિવારો હજુ પણ એ સવાલ પૂછી રહ્યા છે કે આખરે તેમના સ્વજનોના મોત માટે જવાબદાર કોણ છે?
બ્રિટિશ તપાસ એજન્સીનું સ્પષ્ટ વલણ
આ દુર્ઘટનામાં અનેક બ્રિટિશ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે યુકેની એર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) આ કેસમાં જોડાઈ હતી. જોકે, પ્રિન્સિપાલ ઈન્સ્પેક્ટર ગેરેન્ટ હર્બર્ટે હવે સ્પષ્ટતા કરી છે કે તેઓ આ કેસમાં સીધી ટેકનિકલ તપાસ કરવા માટે સક્ષમ નથી. તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ તપાસનું નેતૃત્વ ભારત પાસે છે અને યુકે માત્ર એક નિરીક્ષક તરીકે માહિતી મેળવી શકે છે, તે સીધી તપાસમાં હસ્તક્ષેપ કરી શકતું નથી.
શું હતી એ કાળી રાતની ઘટના?
ગયા વર્ષે ૧૨ જૂનના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલી એર ઈન્ડિયાની બોઈંગ 787 ડ્રીમલાઈનર ફ્લાઈટે જેવી ઉડાન ભરી, તેની થોડી જ મિનિટોમાં તે તૂટી પડી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૬૦ મુસાફરો અને જમીન પર રહેલા ૧૯ લોકો એમ કુલ ૨૭૯ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે એન્જિનમાં ઈંધણનો સપ્લાય અચાનક બંધ થઈ જવાથી ‘થ્રસ્ટ’ ઘટી ગયો હતો, જેના કારણે પ્લેન ક્રેશ થયું હતું.
ન્યાયની પ્રતીક્ષામાં વિલંબ
દુર્ઘટનાના આટલા લાંબા સમય બાદ પણ અંતિમ તપાસ રિપોર્ટ જાહેર ન થતા ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો અને પીડિત પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્લેક બોક્સ ડેટા અને એન્જિનની તપાસમાં કેમ આટલો સમય લાગી રહ્યો છે તે એક મોટો પ્રશ્ન છે. શું આ ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ? તે હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
એર ઈન્ડિયા અને ભારતની તપાસ એજન્સીઓ પર હવે દબાણ વધી રહ્યું છે કે તેઓ વહેલી તકે આ દુર્ઘટનાનું સત્ય બહાર લાવે, જેથી ભવિષ્યમાં આવી સુરક્ષા ખામીઓને અટકાવી શકાય અને જેમના પરિવારો ઉજ્જડ થઈ ગયા છે તેમને ન્યાય મળી શકે.

(11:26 PM IST)