News of Monday, 23rd November 2026
યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા સામે યુરોપિયન સંઘનો વધુ કડક પ્રહાર : ૬૦ બેન્કો અને ક્રિપ્ટોકરન્સી વ્યવહારો ઉપર નવા પ્રતિબંધોની દરખાસ્ત
રશિયન ખેલાડીઓ, યુદ્ધમાં ભાગ લેનારા સૈનિકો અને તેલ પરિવહન કરતી કંપનીઓ સામે પણ કાર્યવાહી : તમામ સભ્ય દેશોની મંજૂરી જરૂરી

બ્રસેલ્સ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે યુરોપિયન કમિશને રશિયા સામે આર્થિક પ્રતિબંધોનું ૨૨મું પેકેજ રજૂ કર્યું છે. તેમાં રશિયાની આશરે ૬૦ બેન્કો, ક્રિપ્ટોકરન્સી વ્યવહારો સાથે સંકળાયેલી સંસ્થાઓ તથા રશિયાને આર્થિક મદદ કરતી કંપનીઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની દરખાસ્ત છે.
યુરોપિયન કમિશનના જણાવ્યા પ્રમાણે નવા પગલાંનો મુખ્ય હેતુ રશિયાની યુદ્ધ ચલાવવાની આર્થિક ક્ષમતા ઘટાડવાનો છે. રશિયન તેલના પરિવહન સાથે સંકળાયેલા જહાજો અને ઊર્જા ક્ષેત્રની સેવાઓ ઉપર પણ વધારાના નિયંત્રણો મૂકવાની યોજના છે. પ્રતિબંધોને ટાળવા ત્રીજા દેશો મારફતે થતા નાણાકીય વ્યવહારો ઉપર નજર રાખવા વિશેષ વ્યવસ્થા કરવાની દરખાસ્ત પણ છે.
આ પેકેજમાં રશિયન ખેલાડીઓ અને ટીમોને યુરોપમાં રશિયન ધ્વજ હેઠળ રમવા ઉપર નિયંત્રણો મૂકવાની જોગવાઈ છે. યુક્રેન યુદ્ધમાં ભાગ લઈ ચૂકેલા રશિયન સૈનિકોને વિઝા નકારવાની વ્યવસ્થા અને રશિયન કંપનીઓમાં યુરોપિયન નાગરિકો ઉચ્ચ હોદ્દા સંભાળે તેના ઉપર પણ નિયંત્રણો સૂચવાયા છે.
જોકે આ તમામ પગલાં તાત્કાલિક અમલમાં આવ્યા નથી. યુરોપિયન સંઘના તમામ ૨૭ સભ્ય દેશોની સર્વસંમતિ મળ્યા બાદ જ નવા પ્રતિબંધો અમલમાં આવી શકશે. રશિયા સામે આર્થિક દબાણ વધારવાની આ દરખાસ્તથી આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, ઊર્જા અને વેપાર વ્યવહારો ઉપર અસર થવાની શક્યતા છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
