News of Friday, 17th July 2026
પાકિસ્તાનને યુરોપિયન યુનિયનનો જોરદાર ઝટકો: માનવ અધિકારોના નામે આકરી ફટકાર લગાવી, વેપારમાં મળતી કરોડોની છૂટછાટો રદ થવાની ચેતવણી!
નવા GSP+ ફ્રેમવર્ક હેઠળ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જ પડશે; ઈશનિંદા કાયદા, લઘુમતીઓ પર હુમલા અને સેન્સરશીપ મુદ્દે ઈસ્લામાબાદ વૈશ્વિક સ્તરે ઘેરાયું

ગાંધીનગર, તા.૧૭: પહેલેથી જ ગંભીર આર્થિક કટોકટી અને દેવાના ડુંગર નીચે દબાયેલા પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય મંચ પરથી વધુ એક અત્યંત ખરાબ સમાચાર આવ્યા છે. યુરોપિયન યુનિયન (EU) એ પાકિસ્તાનમાં માનવ અધિકારોની કથળતી જતી સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને ઇસ્લામાબાદને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. EU એ સ્પષ્ટ કર્યું છે કે જો પાકિસ્તાન પોતાના વલણમાં સુધારો નહીં કરે, તો વર્ષ ૨૦૨૭ થી લાગુ થનારા નવા જનરલાઇઝ્ડ સ્કીમ ઓફ પ્રેફરન્સ પ્લસ (GSP+) ફ્રેમવર્ક હેઠળ તેને મળનારા તમામ વેપારી અને આર્થિક લાભો કાયમી ધોરણે બંધ થઈ શકે છે.
યુરોપિયન કમિશન અને વિદેશી બાબતોના ઉચ્ચ પ્રતિનિધિ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૦૨૫ ના સમયગાળા માટે તૈયાર કરાયેલા સંયુક્ત મોનિટરિંગ રિપોર્ટમાં પાકિસ્તાનની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે કે સમીક્ષાના સમયગાળા દરમિયાન પાકિસ્તાન પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ અને માનવ અધિકારોની જવાબદારીઓ પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે.
કાયદાનું શાસન ખતમ અને ગુમ થતા લોકોની સંખ્યામાં વધારો
અહેવાલમાં સૌથી વધુ ચિંતા પાકિસ્તાનમાં કાયદાના શાસનની નબળી સ્થિતિ અને નાગરિક સમાજ (Civil Society) માટે સંકોચાતી જગ્યા અંગે વ્યક્ત કરવામાં આવી છે. દેશમાં બળજબરીથી નાગરિકોને ગુમ કરવા (Forced Disappearances) અને અદાલતી ટ્રાયલ વિનાની હત્યાઓ (Extrajudicial Killings) ના કિસ્સાઓમાં ભયજનક વધારો નોંધાયો છે. ચોંકાવનારી વાત એ છે કે આ પ્રકારના ગુનાઓ કરનારા શક્તિશાળી તત્વો સામે કોઈ કાનૂની કાર્યવાહી થતી નથી, જેના કારણે ગુનેગારો બેફામ બન્યા છે.
આ ઉપરાંત, આતંકવાદ વિરોધી કાયદા અને સાયબર ક્રાઇમના નામે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સંપૂર્ણ સેન્સરશીપ લાદી દેવામાં આવી છે. તાજેતરમાં પાકિસ્તાનમાં કરાયેલા બંધારણીય સુધારાઓની પણ આકરી ટીકા કરવામાં આવી છે, જેનાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા સંપૂર્ણપણે જોખમાઈ ગઈ છે. બલુચિસ્તાન અને પંજાબ જેવા પ્રાંતોમાં આતંકવાદ વિરોધી કાયદાનો દુરુપયોગ કરીને કોઈપણ ટ્રાયલ વગર નાગરિકોને મનસ્વી રીતે જેલમાં પૂરી દેવામાં આવી રહ્યા છે.
લઘુમતી સમુદાયો પર અત્યાચાર અને ભયનો માહોલ
પાકિસ્તાનમાં વસતા ધાર્મિક અને વંશીય લઘુમતીઓ (હિન્દુ, શિખ અને ખ્રિસ્તી) ની દુર્દશા પર પ્રકાશ પાડતા EU એ જણાવ્યું છે કે, ત્યાં લઘુમતીઓ પર સતત ભેદભાવ, વ્યક્તિગત હુમલા અને ટોળાશાહી હિંસા (Mob Violence) નું જોખમ તોળાઈ રહ્યું છે. તેમના પૂજા સ્થળોને પણ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનનું કાનૂની માળખું આ સમુદાયોને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે.
યુરોપિયન યુનિયનની આ આકરી ચેતવણી બાદ હવે પાકિસ્તાન માટે કરોડો ડોલરની નિકાસ જોખમમાં મૂકાઈ છે. જો પાકિસ્તાન ૨૦૨૭ પહેલા પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પૂરી નહીં કરે, તો યુરોપિયન બજારોમાં તેની એન્ટ્રી બંધ થઈ જશે, જે તેના બરબાદ થઈ રહેલા અર્થતંત્ર માટે આખરી ખીલો સાબિત થઈ શકે છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
