તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
અમેરિકાથી સોનું પાછું લાવવા યુરોપિયન દેશોમાં હોડ: ટ્રમ્પ નીતિઓ અને ભૂ-રાજકીય અસ્થિરતા વચ્ચે નેધરલેન્ડ્સ, ફ્રાન્સ અને જર્મનીનો મોટો નિર્ણય
RBI પાસે હાલ ૮૮૦.૫૨ ટન સોનું: ભારતનું ૭૭% સોનું હવે દેશમાં જ સુરક્ષિત: વિદેશમાં રાખેલા ભંડારમાંથી સ્થાનિક તિજોરીમાં મોટો વધારો કરાયો

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે વધતી જતી ભૂ-રાજકીય અસ્થિરતા, વેપાર વિવાદો અને આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે યુરોપિયન દેશોમાં પોતાના સોનાના ભંડારને અમેરિકામાંથી પાછા લાવવાની પ્રક્રિયા ઝડપી બની છે. દાયકાઓથી ન્યૂ યોર્ક વિશ્વના દેશો માટે સુરક્ષિત સોનાના ભંડારનું કેન્દ્ર રહ્યું હતું, પરંતુ તાજેતરમાં નેધરલેન્ડ્સે અમેરિકા અને કેનેડાથી અંદાજે ૮૬ ટન સોનું લંડન શિફ્ટ કર્યું છે, જ્યારે ફ્રાન્સે પણ ન્યૂ યોર્કથી ૧૨૯ ટન સોનું પાછું ખેંચ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને ભવિષ્યની સંભવિત આર્થિક કટોકટી વચ્ચે પોતાની અનામત સંપત્તિ પર સીધું નિયંત્રણ મેળવવા યુરોપિયન સેન્ટ્રલ બેંકો આ પગલાં ભરી રહી છે. જર્મની પણ અગાઉ ૨૧૬ ટનથી વધુ સોનું પાછું લાવી ચૂક્યું છે, જ્યારે ઇટાલી પર પણ અમેરિકામાં રાખેલા ૨,૪૫૨ ટન સોનાના મોટા હિસ્સા અંગે પુનર્વિચાર કરવા દબાણ વધી રહ્યું છે.
બીજી તરફ, ભારત સંબંધિત ડેટા દર્શાવે છે કે દેશના સોનાના ભંડારને સુરક્ષિત રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પણ મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયા છે. ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીના વાર્ષિક અહેવાલ મુજબ, RBI પાસે કુલ ૮૮૦.૫૨ ટન સોનું નોંધાયું છે. જેમાંથી ૩૧૨.૩૨ ટન સોનું ચલણી નોટોના બેકઅપ તરીકે અને ૩૬૭.૭૩ ટન સોનું બેંકિંગ વિભાગની સંપત્તિ તરીકે દેશમાં જ રાખવામાં આવ્યું છે. આમ, ભારતના કુલ સોનાના ભંડારમાંથી આશરે ૭૭ ટકા (૬૮૦.૦૫ ટન) સોનું હવે સ્વદેશમાં રાખવામાં આવ્યું છે, જ્યારે ૨૦૦.૪૭ ટન સોનું વિદેશી તિજોરીઓ જેવી કે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) પાસે રાખવામાં આવ્યું છે.
નોંધનીય છે કે માર્ચ ૨૦૨૫ની સરખામણીએ RBIએ દેશમાં રાખવામાં આવતા સોનાના જથ્થામાં આશરે ૧૬૮ ટનનો નોંધપાત્ર વધારો કર્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેંકો વાર્ષિક સરેરાશ ૧,૦૦૦ ટન સોનાની ખરીદી કરી રહી છે, જે છેલ્લા દાયકા કરતાં બમણી છે. લંડન સોનાના વેપારનું મુખ્ય કેન્દ્ર હોવાથી મોટાભાગના દેશો પ્રવાહીતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા બેંક ઓફ ઈંગ્લેન્ડને પસંદ કરી રહ્યા છે, પરંતુ ભારતે તેના મોટાભાગના ભંડારને દેશની સીમાઓ અંદર જ સુરક્ષિત કરી લીધો છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
