<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ઇથેનોલ પેટ્રોલ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં : ગાડીઓના એન્જિન બગડવાના ડર વચ્ચે PIL દાખલ !

ઇંધણ પંપ પર ૧૦% અને ૨૦% ઇથેનોલ બ્લેન્ડિંગનું લેબલિંગ ફરજિયાત કરવા: જૂના વાહનોને વીમો આપવા અને પેટ્રોલના ભાવમાં ₹૫૦ સુધીની મોટી સબસિડી જાહેર કરવાની અપીલ

નવી દિલ્હી:  પર્યાવરણને બચાવવાના નામે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાની  કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી નીતિ હવે કાનૂની કટોકટીમાં સપડાઈ છે. દેશના કરોડો વાહન ચાલકોના હિત માટે એડવોકેટ નરેન્દ્ર મિશ્રા મારફતે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. અરજદારે સર્વોચ્ચ અદાલત સમક્ષ જોરદાર માંગ કરી છે કે દેશભરના તમામ ઇંધણ સ્ટેશનો (પેટ્રોલ પંપ) પર ગ્રાહકોને E20 ની સાથે જૂનું નિયમિત પેટ્રોલ અથવા તો માત્ર ૧૦% ઇથેનોલ ધરાવતું (E10) પેટ્રોલ ખરીદવાનો સ્પષ્ટ વિકલ્પ મળવો જ જોઈએ. આ અરજી બાદ વાહન માલિકોમાં પોતાના વાહનોના આયુષ્ય અને એન્જિનની સુરક્ષાને લઈને નવી ચર્ચા જાગી છે.

અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ આદેશ આપવાની અપીલ કરાઈ છે, જે અંતર્ગત દરેક પેટ્રોલ પંપના ફ્યુઅલ ડિસ્પેન્સિંગ મશીન પર ઇથેનોલનું ચોક્કસ પ્રમાણ દર્શાવતા લેબલ લગાવવા ફરજિયાત બને. આ ઉપરાંત, પંપ પર મોટા સાઇનબોર્ડ લગાવીને ગ્રાહકોને જાગૃત કરવામાં આવે કે કયું ઇંધણ તેમના વાહનના એન્જિન સાથે સુસંગત છે અને કયું નહીં. સૌથી મોટો મુદ્દો વાહનોના નુકસાનના વળતરનો છે. અરજદારે માંગ કરી છે કે વર્ષ ૨૦૨૩ પહેલા બનેલા અને હાલ ભારતના રસ્તાઓ પર દોડતા તમામ બે પૈડાવાળા અને ચાર પૈડાવાળા વાહનોને આ નવી નીતિ લાગુ કરતા પહેલા સરકાર ખાસ વીમા યોજના હેઠળ આવરી લે, જેથી ઇથેનોલના કારણે એન્જિન બગડે તો ગ્રાહકોને નુકસાની ન વેઠવી પડે. સાથે જ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹૫૦ થી ₹૫૫ ની સબસિડી આપવાની પણ માંગ કરાઈ છે.

બીજી તરફ, આ ટેકનિકલ મુદ્દા પર હવે જોરદાર રાજકારણ પણ ગરમાયું છે. ભારતીય યુવા કોંગ્રેસે શુક્રવારે આ E20 ઇથેનોલ નીતિ વિરુદ્ધ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. વિરોધ પક્ષનો સીધો આરોપ છે કે સરકાર સામાન્ય જનતાના વાહનોને નુકસાન પહોંચાડીને માત્ર ઇથેનોલ બનાવતી ઉદ્યોગપતિઓની કંપનીઓને ફાયદો કરાવી રહી છે. આ અનોખા પ્રદર્શનમાં કાર્યકરોએ ઇથેનોલના પ્રતીક તરીકે શેરડીના રસનું મશીન રસ્તા પર લાવીને અને હવામાં ₹૨૦૦ ની નકલી નોટો ઉછાળીને સરકારની નીતિઓની મજાક ઉડાવી હતી. હવે જ્યારે આ ગંભીર મામલો સુપ્રીમ કોર્ટના ચોગાનમાં પહોંચ્યો છે, ત્યારે જોવાનું એ રહેશે કે કોર્ટ સામાન્ય નાગરિકોના ખિસ્સા અને એન્જિન બંનેને બચાવવા શું વચગાળાનો રસ્તો કાઢે છે.

(6:18 PM IST)