News of Friday, 4th September 2026
પીએફના જૂના વિવાદોમાંથી નોકરીદાતાઓને મુક્તિ: EPFO દ્વારા ક્રાંતિકારી 'VISHWAS 2026' સ્કીમ જાહેર : વિલંબિત PF દંડમાં મોટો ઘટાડો
૨૮ ડિસેમ્બર ૨૦૨૬ અરજી કરવાની અંતિમ તારીખ: બોમ્બે, મદ્રાસ અને કેરળ હાઈકોર્ટે પણ સ્કીમને આવકારી : ૧૪ જૂન ૨૦૨૪ પહેલાના પેન્ડિંગ કેસોમાં ચુકવણી પર રાહત મળશે

નવી દિલ્હી:EPFO દ્વારા નોકરીદાતાઓ અને કંપનીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. પીએફ ચૂકવણીમાં વિલંબ સંબંધિત વર્ષો જૂના કાનૂની વિવાદો અને વિવાદિત દંડના કેસોને એકસાથે પતાવવા માટે EPFO એ 'VISHWAS 2026' યોજના અમલમાં મૂકી છે. આ સ્કીમ હેઠળ જે નોકરીદાતાઓના ૧૪ જૂન ૨૦૨૪ પહેલાના પીએફ યોગદાનમાં વિલંબ થયો હોય, તેવા તમામ પેન્ડિંગ કેસોમાં દંડનો દર ઘટાડીને સેટલમેન્ટ કરવાની ઉત્તમ તક આપવામાં આવી છે. આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે અને EPFO એ સ્પષ્ટ કર્યું છે કે આ મુદતમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
અગાઉના નિયમો મુજબ વિલંબિત PF થાપણો પર વાર્ષિક ૩૭% સુધીનો જંગી દંડ વસૂલવામાં આવતો હતો, પરંતુ VISHWAS 2026 હેઠળ આ દંડના દરમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. સુધારેલા દરો અનુસાર, ૨ મહિના સુધીના વિલંબ માટે પ્રતિ માસ ૦.૨૫%, ૨ થી ૪ મહિનાના વિલંબ માટે પ્રતિ માસ ૦.૫૦% અને ૪ મહિનાથી વધુના વિલંબ માટે પ્રતિ માસ ૧% ના દરે દંડ ગણવામાં આવશે. આ યોજના એવા તમામ કેસોમાં લાગુ થશે જે વિવિધ કોર્ટ, ટ્રિબ્યુનલ કે વસૂલાત નોટિસ હેઠળ પેન્ડિંગ છે. બોમ્બે હાઈકોર્ટની પુણે બેન્ચ, મદ્રાસ હાઈકોર્ટ અને કેરળ હાઈકોર્ટે પણ આ યોજનાને આવકારીને અસંખ્ય કેસોમાં નોકરીદાતાઓને VISHWAS 2026 નો લાભ લેવા સૂચના આપી છે.
આ યોજનાનો લાભ લેવા માટે નોકરીદાતાઓએ સૌપ્રથમ વિલંબિત ચૂકવણી પરનું બાકી વ્યાજ ચૂકવવાનું રહેશે. ત્યારબાદ EPFO એમ્પ્લોયર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, જ્યાં સિસ્ટમ આપમેળે સુધારેલા દંડની ગણતરી કરશે. ચૂકવણી માટે ૧૫ દિવસનો સમય મળશે, જેમાં જરૂર જણાય તો વધુ ૧૫ દિવસનો વધારો મળી શકશે. સંપૂર્ણ ચૂકવણી બાદ EPFO તરફથી ડિજિટલી સાઇન કરેલું સેટલમેન્ટ સર્ટિફિકેટ જારી કરવામાં આવશે, જેના આધારે સંબંધિત કોર્ટ કે ટ્રિબ્યુનલમાં ચાલતા કેસો સત્તાવાર રીતે બંધ થઈ જશે. સહાયતા માટે દેશભરની ૧૫૩ પ્રાદેશિક કાર્યાલયોમાં 'VISHWAS સેલ' અને હેલ્પડેસ્ક પણ કાર્યરત કરવામાં આવ્યા છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
