તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
EPFOનો માસ્ટરસ્ટ્રોક: હવે વર્ષોથી બંધ પડેલા PF ખાતામાં જમા પૈસા નહીં અટવાય, લૉન્ચ થશે 'E-Prapti' પોર્ટલ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મોટી જાહેરાત: આધાર વેરિફિકેશન દ્વારા જૂના અને નિષ્ક્રિય ખાતાઓને UAN સાથે લિંક કરી શકાશે : કરોડો કર્મચારીઓને મળશે વર્ષોથી અટકેલા નાણાં

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના કરોડો સભ્યો માટે સારા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી નિષ્ક્રિય પડેલા અને જેમના UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) જનરેટ થયા નહોતા તેવા જૂના પીએફ ખાતાઓને ફરીથી જીવંત કરવા માટે સરકાર 'E-Prapti' નામનું અત્યાધુનિક વેબ પોર્ટલ લૉન્ચ કરવા જઈ રહી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ પોર્ટલ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે વરદાન સાબિત થશે જેઓ વર્ષો પહેલા નોકરી બદલતી વખતે પોતાના પીએફ ખાતાની વિગતો ભૂલી ગયા છે અથવા જેમના ખાતા હજુ ડિજિટલ સિસ્ટમ સાથે જોડાયા નથી.
આ નવું 'E-Prapti' પોર્ટલ સંપૂર્ણપણે સુરક્ષિત આધાર-આધારિત ઓળખ સિસ્ટમ પર કામ કરશે. 2014 પહેલાના ઘણા ખાતાઓ એવા છે જે મેન્યુઅલ હતા અને UAN સાથે લિંક નહોતા, જેના કારણે કર્મચારીઓ પોતાના જ પૈસા ઉપાડી શકતા નહોતા. હવે સભ્ય ID દ્વારા આ ખાતાઓને ટ્રેક કરી શકાશે અને એકવાર ઓળખ સાબિત થયા પછી તેને વર્તમાન UAN સાથે જોડી શકાશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ભવિષ્યમાં આ સિસ્ટમને એટલી સરળ બનાવવામાં આવશે કે જો કોઈ સભ્યને પોતાની જૂની વિગતો યાદ ન હોય, તો પણ તેઓ ટેકનોલોજીની મદદથી પોતાનું ફંડ શોધી શકશે.
ડિજિટલ ઈન્ડિયા તરફના આ કદમથી પારદર્શિતામાં મોટો વધારો થશે અને કર્મચારીઓને વારંવાર કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. ડેટા અનુસાર, વર્ષ 2025-26 માં EPFO એ રેકોર્ડબ્રેક 83.1 મિલિયન દાવાઓનું નિકાલ કર્યો છે, જે અગાઉના વર્ષ કરતા નોંધપાત્ર રીતે વધુ છે. સૌથી પ્રશંસનીય બાબત એ છે કે હવે 71 ટકાથી વધુ આંશિક ઉપાડના દાવાઓ માત્ર ત્રણ દિવસમાં આપમેળે સેટલ થઈ રહ્યા છે. આ પોર્ટલ કાર્યરત થવાથી માત્ર પેપરવર્ક ઘટશે એટલું જ નહીં, પણ વર્ષોથી ફસાયેલા અબજો રૂપિયા કર્મચારીઓના ખિસ્સામાં પાછા આવશે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
