તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 9th July 2026
નીટ-યુજીની સંપૂર્ણ પેટર્ન બદલાશેઃ હવે એક નહીં છ દિવસ સુધી પરીક્ષા લેવાશે
એનટીએ સમગ્ર સિસ્ટમને નવેસરથી તૈયાર કરશે, આ પ્રક્રિયા ઓક્ટોબર સુધી પૂર્ણ થશેઃ હવે આ પરીક્ષા એક જ દિવસે પેન-પેપર મોડમાં લેવાને બદલે કમ્પ્યુટર આધારિત હશે

નવી દિલ્હી,તા.૦૯: કેન્દ્ર સરકાર મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ-યુજીના માળખામાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. આવતા વર્ષથી પરીક્ષાનું સમગ્ર સ્વરૂપ બદલાઈ શકે છે. હવે આ પરીક્ષા એક જ દિવસે પેન-પેપર મોડમાં લેવાને બદલે કમ્પ્યુટર આધારિત હશે અને તે ૫થી ૬ દિવસમાં અલગ-અલગ શિફટમાં આયોજિત કરવામાં આવશે. આ ફેરફારનો હેતુ પરીક્ષાને વધુ સુરક્ષિત, પારદર્શક બનાવવાનો અને પેપર લીક જેવી ઘટનાઓથી બચાવવાનો છે.
રિપોર્ટ્સ અનુસાર, પરીક્ષા દેશભરના આશરે ૫૦૦૦ શહેરોમાં બનાવવામાં આવેલા ૧,૦૦૦ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. જેમાં મોટાભાગના કેન્દ્રો કેન્દ્રીય વિદ્યાલય (કેવી), નવોદય વિદ્યાલય (જેએનવી) અને અન્ય સરકારી સંસ્થાઓમાં બનાવવામાં આવશે. દરરોજ આશરે ૫ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. દરેક કેન્દ્ર પર દરરોજ લગભગ ૫૦૦ ઉમેદવારોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ રીતે ૫-૬ દિવસમાં તમામ ઉમેદવારોની પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે. માત્ર પરીક્ષાની પદ્ધતિ જ નહીં, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) માં પણ મોટા પાયે ફેરફારો કરવામાં આવશે.
રિપોર્ટ્સ અનુસાર, સંગઠનની કાર્યપ્રણાલી, તકનીક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી વ્યવસ્થામાં 'ટોપ ટુ બોટમ' ફેરફાર કરવામાં આવશે. એટલે કે એનટીએની સમગ્ર સિસ્ટમને નવાસરથી તૈયાર કરવામાં આવશે. માનવામાં આવે છે કે આ પ્રક્રિયા ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ શકે છે,
આ ફેરફારો તાજેતરમાં થયેલા નીટ-યુજી પેપર લીક વિવાદ બાદ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ૩ મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરવી પડી હતી, જેમાં આશરે ૨૨ લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. ત્યારબાદ ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ ઘટના બાદ જ પરીક્ષા પ્રણાલીને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવા માટે સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા છે. સરકારનો આ નિર્ણય ઈસરોના પૂર્વ ચેરમેનડો. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી સાત સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો પર આધારિત છે. આ સમિતિની રચના પરીક્ષા પ્રણાલીમાં સુધારા કરવા માટે કરવામાં આવી હતી.
સરકાર તરફથી પરીક્ષાની નવી વ્યવસ્થા, પરીક્ષાના શહેરોની યાદી, શિફટનો સમય અને અન્ય જરૂરી માહિતી એનટીએમાં ફેરફારની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. સાથે જ પરીક્ષાની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે નવી તકનીક અને દેખરેખ વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવી શકે છે
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
