<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

આખી પાર્ટી હવે મૂલ્યો અને સિદ્ધાંતોથી ભટકી ગઈ:પાર્ટીમાં હવે ભ્રષ્ટાચાર મહિલાઓનું શોષણ અને ગુંડા તત્વોનું વર્ચસ્વ: સ્વાતિ માલીવાલના પ્રહાર

પક્ષ છોડ્યા બાદ સ્વાતિ માલીવાલે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના નેતૃત્વ પર સણસણતા આરોપો લગાવ્યા

નવી દિલ્હી :આમ આદમી પાર્ટી અત્યારે તેના અસ્તિત્વના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. રાજ્યસભાના 10 સાંસદોમાંથી 7 સાંસદોએ એકસાથે પાર્ટીમાંથી છેડો ફાડી નાખતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું કે હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સિંહ સાહની અને સ્વાતિ માલીવાલ પણ પક્ષ છોડી રહ્યા છે. સ્વાતિ માલીવાલે પક્ષ છોડ્યા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.

 

પક્ષ છોડ્યા બાદ સ્વાતિ માલીવાલે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના નેતૃત્વ પર સણસણતા આરોપો લગાવ્યા છે. તેમણે લખ્યું કે, "વર્ષ 2006માં મેં દેશસેવા માટે મારી નોકરી છોડી હતી. RTI આંદોલનથી લઈને આમ આદમી પાર્ટીના નિર્માણ સુધી મેં મારું જીવન સમર્પિત કર્યું. પરંતુ આજે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે અરવિંદ કેજરીવાલ અને આખી પાર્ટી હવે તે મૂલ્યો અને સિદ્ધાંતોથી ભટકી ગઈ છે જેના માટે અમે સંઘર્ષ શરૂ કર્યો હતો."

 

માલીવાલે પોતાની પોસ્ટમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે, કેજરીવાલના ઈશારે જ તેમના નિવાસસ્થાને મારા પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો અને અભદ્ર વર્તન કરવામાં આવ્યું. તેમણે આક્ષેપ કર્યો કે કેજરીવાલે આ ગુનામાં સામેલ પોતાના સાથીદારને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા અને ઉલટાનું તેમને ઉચ્ચ હોદ્દાઓથી નવાજ્યા. માલીવાલના મતે, પાર્ટીમાં હવે ભ્રષ્ટાચાર મહિલાઓનું શોષણ અને ગુંડા તત્વોનું વર્ચસ્વ વધી ગયું છે.

રાજીનામું આપનાર સાંસદોએ પંજાબ સરકારના વહીવટમાં થઈ રહેલી છેતરપિંડી અને લૂંટનો પણ ઉલ્લેખ કર્યો છે. સ્વાતિ માલીવાલે સ્પષ્ટ કર્યું કે કેજરીવાલના આશ્રય હેઠળ જે રીતે અસામાજિક તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે, તેનાથી ત્રસ્ત થઈને તેમણે આ નિર્ણય લીધો છે. હાલમાં તેઓ ઈટાનગર ખાતે સંસદીય સમિતિની બેઠકમાં છે અને દિલ્હી પરત ફર્યા બાદ આ મામલે વધુ વિગતો જાહેર કરશે. આ ઘટનાક્રમે આગામી ચૂંટણીઓ પહેલા AAPના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે.

(9:45 PM IST)