<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સુરતના ઉદ્યોગપતિઓમાં ઉત્સાહ:દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને રામમોહનનાયડૂની બેઠક: સુરતની એર કનેક્ટિવિટી વધારવા પર ભા

સુરતની હવાઈ કનેક્ટિવિટી માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે:લાંબા સમયથી ઉદ્યોગ જગત જે માંગ કરી રહ્યું હતું, તે દિશામાં સરકારે મોટું પગલું ભરવાની ખાતરી આપી

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાને સુરતના હવાઈ જોડાણ મુદ્દે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડૂ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જેવા ઝડપથી વિકસતા વેપારી મથક માટે હવાઈ સેવાઓનું વિસ્તરણ અત્યંત અનિવાર્ય હોવાથી આ બેઠક પર સૌની નજર હતી.

બેઠક દરમિયાન સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારી સંગઠનોના પ્રતિનિધિઓએ સ્પષ્ટપણે રજૂઆત કરી હતી કે, સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગની નિકાસને વૈશ્વિક કક્ષાએ વેગ આપવા માટે વધુ ફ્લાઇટોની તાતી જરૂરિયાત છે. ખાસ કરીને તાજેતરમાં બંધ કરી દેવામાં આવેલી ફ્લાઇટોના મુદ્દાને લઈને ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી.'

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ સુરતની જરૂરિયાતને સકારાત્મક રીતે સ્વીકારીને ખાતરી આપી હતી કે, આગામી વિન્ટર શિડ્યુલ દરમિયાન જે ફ્લાઇટો બંધ થઈ છે, તેને પુનઃ શરૂ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી અને વિવિધ એરલાઇન્સના અધિકારીઓની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયોથી સુરતના વેપારી વર્ગમાં આશાનું નવું કિરણ જાગ્યું છે. બેઠકના અંતે પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાગરિક ઉડ્ડયન મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

(12:20 AM IST)