તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
મનોરંજન જગતમાં ખળભળાટ: અભિનેત્રી મોનાલિસા ભોંસલે સાથે શૂટિંગ દરમિયાન અડપલાં, ફિલ્મના ડાયરેક્ટર અને VHP નેતા સહિત ૪ સામે FIR!
'મહાકુંભ વાયરલ ગર્લ' તરીકે જાણીતી મોનાલિસાએ POCSO એક્ટ હેઠળ નોંધાવી ફરિયાદ; શૂટિંગ દરમિયાન ૧૦ વાર અયોગ્ય સ્પર્શ કર્યાનો ડાયરેક્ટર પર ગંભીર આરોપ

એર્નાકુલમ: "મહાકુંભ વાયરલ ગર્લ" તરીકે જાણીતી બનેલી અભિનેત્રી મોનાલિસા ભોંસલેએ ફિલ્મ ઉદ્યોગના જાણીતા નામો સામે છેડતી અને હેરાનગતિના ગંભીર આરોપો લગાવી કાનૂની જંગ છેડ્યો છે. આ મામલે ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' ના શૂટિંગ સાથે સંકળાયેલા નિર્દેશક સનોજ મિશ્રા અને VHP નેતા અનિલ વિલાયલ સહિત કુલ ચાર લોકો વિરુદ્ધ ૨૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ કેરળના એર્નાકુલમ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પરિવારનો ટેકો ન મળ્યાનો વસવસો
મોનાલિસાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન ડાયરેક્ટર સનોજ મિશ્રાએ તેને ૧૦ થી વધુ વાર અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. વધુમાં તેણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે તેણે આ હકીકત પોતાના પરિવારને જણાવી ત્યારે પરિવારે તેને જોઈતો ટેકો આપ્યો ન હતો. હાલમાં આ કેસમાં મોનાલિસાએ કોર્ટમાં પોતાનું નિવેદન પણ નોંધાવ્યું છે. આ ઘટના મધ્યપ્રદેશમાં બની હોવાથી તપાસ માટે કેસને ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી શક્યતા છે.
લગ્ન વિવાદ અને બદનામીના આરોપ
અભિનેત્રીએ અનિલ વિલાયિલ પર સોશિયલ મીડિયાના માધ્યમથી તેને બદનામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સમગ્ર મામલો તેના લગ્નને લઈને ચાલી રહેલા વિવાદ સાથે પણ જોડાયેલો છે. મોનાલિસાના પરિવારે અગાઉ તેના પતિ ફરમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે લગ્ન સમયે મોનાલિસા સગીર હતી. જોકે, મોનાલિસાએ પોતે ૧૮ વર્ષની હોવાનું જણાવી પોતાના નિર્ણયોનો બચાવ કર્યો છે.
કડક કાર્યવાહીની તૈયારી
આ કેસમાં POCSO (Protection of Children from Sexual Offences) એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હોવાથી આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ૨૦૧૨માં બનેલો આ કાયદો ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના જાતીય શોષણ અને પજવણી સામે રક્ષણ આપે છે. પોલીસ હાલ આ તમામ પાસાઓ પર ઊંડી તપાસ કરી રહી છે, જેના કારણે મનોરંજન અને સામાજિક વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
