તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
મનોરંજન જગત સ્તબ્ધ! હોસ્પિટલની લૂંટફાટ સામે 'સૈરાટ' ફેમ અભિનેતા લાઈવ વીડિયોમાં રડી પડ્યો: કલેક્ટરના કડક આદેશથી હોસ્પિટલને જડબેસલાક સીલ કરાઈ
બ્રેઈન હેમરેજથી પીડાતા પિતાની સારવારના નામે લાખો રૂપિયા પડાવ્યાનો આક્ષેપ; અભિનેતા અરબાઝ શેખનો વીડિયો વાયરલ થતાં જ વહીવટીતંત્ર એક્શન મોડમાં, મેડિકલ માફિયાઓમાં ફફડાટ

સોલાપુર, તા.૧૦: મરાઠી સિનેમાની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ 'સૈરાટ' (Sairat) માં 'સલ્યા' નું લોકપ્રિય પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા અરબાઝ શેખ પર હાલમાં આભ તૂટી પડ્યું છે. તેના પિતાને અચાનક બ્રેઈન હેમરેજ (મગજમાં રક્તસ્ત્રાવ) થતાં તેમને સોલાપુરની ખાનગી 'નોબલ હોસ્પિટલ' માં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, મુશ્કેલ સમયમાં દર્દીઓને રાહત આપવાના બદલે હોસ્પિટલ પ્રશાસને મનસ્વી વલણ અપનાવી સારવારના નામે મસમોટી રકમ વસૂલવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, હોસ્પિટલના પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી મોંઘીદાટ દવાઓ ખરીદવા માટે અભિનેતાના પરિવાર પર દબાણ લાવવામાં આવ્યું હતું. હોસ્પિટલની આ લૂંટફાટ અને માનસિક ત્રાસથી કંટાળીને અભિનેતાએ સોશિયલ મીડિયા પર રડતાં-રડતાં એક વીડિયો શેર કર્યો હતો, જે જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો.
વીડિયો વાયરલ થતાં જ વહીવટીતંત્ર ત્રાટક્યું, હોસ્પિટલ પર વાગ્યા તાળા
અભિનેતા અરબાઝ શેખે શેર કરેલા આ અત્યંત ભાવુક વીડિયોમાં તેણે ન્યાય અને આર્થિક મદદની ગુહારી લગાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ જતાં ચાહકો, સામાન્ય જનતા, મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અને સ્થાનિક વારકરી સમુદાય પણ અભિનેતાના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યો હતો. લોકોનો પ્રચંડ આક્રોશ જોઈને સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ તપાસ સમિતિ નીમીને નોબલ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને હાલમાં આખી હોસ્પિટલને સીલ (Seal) કરી દેવામાં આવી હોવાના અહેવાલ છે.
હોસ્પિટલે તમામ આરોપો ફગાવ્યા, કહ્યું- પરિસ્થિતિ પહેલેથી ગંભીર હતી
બીજી તરફ, ભારે હંગામા વચ્ચે નોબલ હોસ્પિટલ પ્રશાસને પણ પોતાની સફાઈ રજૂ કરી છે. હોસ્પિટલ વહીવટીતંત્રે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે દર્દીને જ્યારે લાવવામાં આવ્યા ત્યારે તેમની ન્યુરોલોજીકલ સ્થિતિ અત્યંત નાજુક હતી. વેન્ટિલેટર અને આગળની સારવારના ખર્ચ અંગે પરિવારને અગાઉથી જ બધી જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલે દાવો કર્યો છે કે દવાઓ ખરીદવા માટે કોઈ દબાણ કરાયું નહોતું અને અભિનેતાએ વીડિયો બનાવવાને બદલે મેનેજમેન્ટ સાથે સીધી વાત કરવી જોઈતી હતી.
પિતાનો જીવ બચાવવો મારી પહેલી પ્રાથમિકતા: અરબાઝ
હોસ્પિટલ સીલ થવાના મોટા સમાચાર વચ્ચે અરબાઝ શેખે અચાનક ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને પોતાનો વિવાદિત વીડિયો ડીલીટ કરી દીધો છે. અરબાઝે જણાવ્યું કે વીડિયો વાયરલ થયા બાદ તેને હજારો ફોન અને મેસેજ આવી રહ્યા હતા જેનાથી તે માનસિક રીતે પરેશાન થઈ ગયો હતો. તેણે સ્પષ્ટ કર્યું કે, "હવે જ્યારે પ્રશાસને હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે, ત્યારે મારા માટે આ પ્રકરણ અહીં જ પૂરું થાય છે. અત્યારે સોશિયલ મીડિયા નહિ, પણ મારા પિતાનો જીવ બચાવવો અને તેમનું સ્વાસ્થ્ય જ મારા પરિવારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે." જોકે, આ સનસનાટીપૂર્ણ ઘટનાએ ફરી એકવાર કોર્પોરેટ હોસ્પિટલોની મનમાની અને સામાન્ય માણસની તબીબી લાચારી પર દેશભરમાં મોટી ચર્ચા જગાવી દીધી છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
